ચીન અને પાક.સેનાએ PoKમાં કર્યું સંયુક્ત પેટ્રોલિંગ

નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાને એકવાર ફરીથી ભારત ઉશ્કેરાય તેવી પ્રવૃતી કરી છે. બંન્ને દેશોની સેનાએ પાકિસ્તાન કબ્જાનાં કાશ્મીર બોર્ડર તથા બોર્ડર પર આવેલા વિસ્તારોમાં સંયુક્ત પેટ્રોલિંગ કર્યું હતું. એવું પહેલીવાર બન્યું છે જ્યારે ચીન અને પાકિસ્તાનની સેનાએ સંયુક્ત પેટ્રોલિંગ કર્યું હોય.

ચીનના સરકારી અખબાર પીપલ્સ ડેઇલીની વેબસાઇટ પર પ્રકાશિત તસ્વીરોનાં અનુસાર શિનજિયાંગમાં પીએલએનાં ફ્રિટયર રેજિમેન્ટ અને પાકિસ્તાનની બોર્ડર પોલીસ જવાન ચીન પીઓકે બોર્ડર પર પેટ્રોલિંગ કરતા જોવા મળે છે. પિપલ્સ ડેઇલી આ બોર્ડરને ચીન પાકિસ્તાન બોર્ડર ગણાવી રહ્યું છે. જ્યારે શિનજિયાંગની સીમા માત્ર પીઓકેને જ લાગે છે. ભારત સરકાર પીઓકે ને ભારતીય ક્ષેત્રનું અભિન્ન અંગ માને છે.

અગાઉ ન તો ચીન સરકાર ન તો ચીની મીડિયાએ સંવેદનશીલ પીઓકેનાં વિસ્તારમાં જોઇન્ટ પેટ્રોલીંગની વાત કબુલી છે. જાણકારોનું કહેવું છે કે આ પેટ્રોલિંગથી ચીનનાં ઇરાદાઓ સામે આવી રહ્યા છે. તે પીઓકેમાં પોતાની હાજરી સતત વધારી રહ્યું છે અને તે પાકિસ્તાનની મદદથી ભારતને ઘેરવા માંગે છે. અત્રે ઉલ્લેખીય છે કે, ભારત દ્વારા પણ ભારત અને ચીનની સીમા પર ટેંકના કાફલામાં વધારો કરવામાં આવ્યો છે.

You might also like