ચીનની નવી ચાલઃ નેપાળને ચાર બંદરનો ઉપયોગ કરવા મંજૂરી આપી

કાઠમંડુ: પડોશી રાષ્ટ્રોમાં ભારતને એકલું અટુલું પાડી દેવા માટે ચીને એક નવી ચાલ ચાલીને નેપાળને પોતાનાં ચાર બંદરનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ચીનનું આ પગલું ભારત માટે ઘણું નુકસાનકારક માનવામાં આવે છે. ચીનનાં આ પગલાંને કારણે ચોમેર જમીનથી ઘેરાયેલા નેપાળની ભારત પર નિર્ભરતા ઓછી થઇ જશે.

ભારતના એકાધિકારને સમાપ્ત કરવા નેપાળ હવે ચીન સાથે પોતાની નિકટતા વધારી રહ્યું છે. પડોશી રાષ્ટ્રોમાં પોતાનો પ્રભાવ વધારવા ચીન પહેલેથી ઉદાર હાથે લોનની લહાણી કરી રહ્યું છે અને હવે તે પોતાનાં સંસાધનોનો ઉપયોગ કરવા માટે પણ છૂટ આપી રહ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી નેપાળ આવશ્યક ચીજવસ્તુઓ અને ઇંધણ માટે ભારત પર નિર્ભર હતું. બીજા દેશો સાથે વેપાર કરવા નેપાળ ભારતનાં બંદરોનો પણ ઉપયોગ કરતું હતું, પરંતુ હવે નેપાળ જે રીતે ચીનની નિકટ જઇ રહ્યું છે તે જોતાં ભારત અને નેપાળના સંબંધોમાં ખટરાગ ઊભો થઇ શકે છે.

વિદેશ મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હવે નેપાળ ચીનના શેનજેન, લિયાંગ યુગાંગ, ઝાઝિયાંગ અને તિયાનજીન બંદરનો ઉપયોગ કરી શકશે. તિયાનજીન બંદર નેપાળની સરહદથી ઘણું નજીક છે.

You might also like