ચીનની વધુ અવળચંડાઈઃ મસૂર અઝહર પર ફરી વીટો લગાવ્યો

નવી દિલ્હી: ચીને ફરી એકવાર ચાલબાજી કરીને પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી મસૂદ અઝહર પર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. યુએસએ, ફ્રાંસ અને યુકે દ્વારા જૈશ-એ-મહંમદનો વડો મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવે ચીને ત્રણ મહિનાની અંદર બીજી વખત ટેકનિકલ રોક લગાવી દીધી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના અમેરિકાના પ્રસ્તાવ આડે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વીટોનો ઉપયોગ કરીને રોડાં નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

ચીન દ્વારા મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેકનિકલ વિરોધની આખરી તારીખ ૨ ઓગસ્ટ હતી. જો ચીને આ તારીખ બાદ ફરીથી રોડાં નાંખવાનો પ્રયાસ કર્યો ન હોત તો મસૂદ અઝહર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિધિવત્ રીતે આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થઈ ગયો હોત.

આ ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલાં ચીને ફરીથી પ્રસ્તાવ પર ત્રણ મહિના માટે વીટો પાવરનો ઉપયોગ કરીને ટેકનિકલ અવરોધ ઊભો કર્યો છે. હવે ૨ નવેમ્બર સુધી મસૂદ અઝહરને ચીનના વીટોને કારણે આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી શકાશે નહીં.

સંયુક્ત રાષ્ટ્ર પરિષદનું કાયમી સભ્ય રાષ્ટ્ર હોવાથી ચીન પાસે વીટો પાવર છે. ચીને આ અગાઉ પણ ઘણીવાર જૈશ-એ-મહંમદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસો અવરોધ્યા હતા. ગઈ સાલ માર્ચમાં ૧૫ દેશમાંથી માત્ર ચીન જ એવું એક રાષ્ટ્ર હતું જેણે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય જાહેર કરવાના ભારતના પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. જ્યારે સમિતિના ૧૪ દેશે ભારતના પ્રસ્તાવનાં સમર્થનમાં મતદાન કર્યું હતું.

You might also like