ચીને ભારતીય સીમા પર પેટ્રોલિંગ વધારવાની વાત સાથે પાક.નાં વખાણ કર્યા

બીજિંગ : ડોકલામ વિવાદનો અંત આવ્યા પછી પણ ચીનનું વલણ ખાસ કંઇ પરિવર્તિત થયું હોય તેવું નથી લાગી રહ્યું. ચીનનાં સંરક્ષણ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે ભારતીય સીમા પર પેટ્રોલિંગ વધારવામાં આવશે અને સૈનિકોની ગોઠવણીને પણ તે સમાયોજીત કરસે. ઉપરાંત ચીનનાં વિદેશ મંત્રાલયે આતંકવાદીઓ માટે સ્વર્ગ બની ચુકેલ પાકિસ્તાનનાં પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે બ્રિક્સ સંમેલનમાં આતંકવાદ અંગે કોઇ ચર્ચા નહી થાય.

ઉલ્લેખનીય છે કે, સિક્કીમ સેક્ટરમાં સીમા પર બે મહિના સુધી વિવાદ ચાલ્યા બાદ બંન્ને દેશો પોતાનાં સૈનિકોને હટાવવા માટે સંમત થયા છે. સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તા રેન જિયોકિંગે કહ્યું કે ચીની સેના પોતાનાં લક્ષ્ય અને જવાબદારીઓને સારી રીતે નિભાવતી રહેશે. ડોકલામ વિસ્તારમાં ચોકીઓ તથા પેટ્રોલિંગને મજબુત કરવામાં આવશે અને રાષ્ટ્રીય સંપ્રભુતા અને સુરક્ષાની દ્રઢતાથી સંરક્ષણ કરવામાં આવશે. રેને માસિક ન્યૂઝ બ્રીફિંગમાં કહ્યું કે, જમીન પર પરિસ્થિતીનાં પરિવર્તનને જોતા ચાઇનીઝ સીમા દળની ગોઠવણીને પુનનિયોજીત કરશે.

ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદનો અંત બ્રિક્સ બેઠકનાં આશરે એક અઠવાડીયા પહેલા થયું છે. બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રીકાનાં આ મહત્વનાં સમ્મેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીન જઇ રહ્યા છે. ચીને ગુરૂવારે કહ્યું કે પાકિસ્તાનમાંથી પેદા થતા આતંકવાદનાં મુદ્દે ભારતની ચિંતા પર બ્રિક્સ સંમેલનમાં ચર્ચા નહી થાય. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાને આગળ વધીને પ્રયાસો કર્યા છે અને તેનાં માટે બલિદાન પણ આપ્યા છે.

You might also like