ચિલોડા રોડ પર બે રિક્ષા પલટી ખાઈ જતાં બેનાં મોતઃ છને ઈજા

અમદાવાદ: ચિલોડા રોડ પર જુદા જુદા સમયે મુસાફર ભરેલી બે રિક્ષાઓ પલ્ટી ખાઈ જતાં બે વ્યક્તિનાં ગંભીર ઈજા થવાના કારણે મોત થયાં હતાં જ્યારે છ મુસાફરોને ઓછાવત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગરના દહેગામ તાલુકાના હાલીસા ગામે રહેતા કજોડીભાઈ ગોપીજી ગુર્જર હાલીસા અને અાજુબાજુના ગામમાં પસ્તી અને ભંગારની લારી ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. ગઈકાલે કરોડીભાઈ તેના પરિવાર સાથે ગાંધીનગર ખાતે તેમના સંબંધીના ત્યાં પ્રસંગમાં ગયા હતા. પ્રસંગ પતાવી રિક્ષામાં બેસી પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે સર્કલ પાસે રિક્ષા પલટી ખાઈ જતાં એકનું મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચતાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા ઉપરાંત ગાંધીનગર નજીક અાવેલા ઈન્દ્રોડા ગામે રહેતા કાળાજી રઘુજી ઠાકોર ઈન્દ્રોડાથી રિક્ષામાં બેસી ઈસનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે ચિલોડા રોડ પર રિક્ષાચાલકની ગફલતથી રિક્ષા પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

જેમાં વિષ્ણુજી નામના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને રિક્ષાચાલક વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like