રાજ્યમાં કાતિલ ઠંડી યથાવત નલિયામાં તાપમાન ૪.૪ ડિગ્રી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી શરૂ થયેલી કાતિલ ઠંડીના પ્રમાણમાં આજે વધારો થયો છે. જેમાં રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયામાં પડી હતી. જ્યાં લઘુતમ તાપમાનનો પારો ચાર ડિગ્રીએ પહોંચી ગયો હતો. આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન થઈ ગયું હતુ. જ્યારે અમરેલી અને કંડલા એરપોર્ટ પર તાપમાન નવ ડિગ્રી થઈ જતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થયો હતો. અમદાવાદમાં તાપમાન ૧૦.૨ ડિગ્રી રહ્યું હતુ. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. તેમજ અન્ય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે સમગ્ર રાજ્ય ઠંડીમાં ઠુંઠવાઈ ગયુ છે. અમદાવાદ સહિત મોટાભાગના મહાનગરો અને શહેરો તેમજ ગામડાઓમાં દિવસે પણ સતત શીતળ પવન લહેરાતા લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડી રહી હોવાથી તેની જનજીવન પર માઠી અસર જોવા મળે છે. વહેલી સવારે અને રાતે રોડ પર લોકોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે.

સવારની શાળા અને કોલેજોમાં પણ પાંખી હાજરી જોવા મળે છે. દુકાનો અને બજારો પણ સવારે મોડા ખુલે છે તેમજ રાત્રે વહેલા બંધ થઈ જાય છે. સાંજ પડતા જ લોકો કામ વિના ઘર બહાર નીકળતા નથી. મંદિરોમાં આરતીના સમયમાં પણ ફેરફાર થઈ ગયો છે. રાજ્યના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે.

કાતિલ ઠંડીથી અબોલ પશુઓ અને પક્ષીઓના હાલત કફોડી થઈ ગઈ છે.સાંજ ઢળતા જ પશુઓને કંતાન કે અન્ય કપડામાં લપેટી દેવામાં આવે છે. જ્યારે પક્ષીઓ સાંજે વેળાસર તેમના માળામાં ભરાઈ જાય છે.બીજી તરફ ઝુંપડપટ્ટી કે ફૂટપાથ પર રહેતા લોકોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. સતત વહેતા ઠંડા પવનની ઝપટથી બચવા આવા લોકો કોઈ સલામત જગ્યા શોધતા નજરે પડે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. દરમિયાન માઉન્ટ આબુમાં બરફ પડયો હોવાનું જાણવા મળ્યું છે. બરફ પડતા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

રાજ્યમાં આજે વિવિધ શહેરોમાં નોંધાયેલુ લઘુતમ તાપમાન આ મુજબ રહ્યુ હતુ. જેમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં ૪.૪ ડિગ્રી, કંડલા એરપોર્ટ પર ૯.૮, અમરેલીમાં ૯, ડીસામાં ૯, રાજકોટ અને પોરબંદરમાં ૧૦, ભુજમાં ૧૦.૭, અમદાવાદમાં ૧૦.૨, ગાંધીનગરમાં ૭.૮, વડોદરામાં ૧૨, વલસાડમાં ૧૧.૧, સુરેન્દ્રનગરમાં ૧૧.૬, મહુવામાં ૧૨.૩, કંડલા પોર્ટ પર ૧૧.૭, સુરતમાં ૧૩.૬, ભાવનગરમાં ૧૩.૪, ઈડરમાં ૧૪.૭, વલ્લભ વિદ્યાનગરમાં ૧૨, વેરાવળમાં ૧૫.૪, દ્વારકામાં ૧૪, અને ઓખામાં ૧૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

આમ સમગ્ર રાજ્ય ઠંડીમાં ઠુંઠવાઈ રહયું છે. ત્યારે આગામી દિવસોમાં આવતા નાતાલના પર્વ તેમજ નવા વર્ષની ઉજવણી વખતે ઠંડીનું જોર વધુ રહે તેવી સંભાવના છે. રાજ્યમાં આ વખતે ઠંડી મોડી શરૂ થઈ છે.

You might also like