બાળકો વાઈરલ ફીવરની ઝપટમાં કેસોમાં ૨૦ ટકાનો વધારો થયો

અમદાવાદ: છેલ્લા એક માસ દરમિયાનના વાદળછાયા અને વરસાદી વાતાવરણના કારણે પાણીજન્ય તેમજ વાઈરલ ઈન્ફેક્શનથી રોગચાળો વકરી રહ્યો છે, જેનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યાં છે. ગળામાં સોજો, ફ્લૂ, તાવ અને ઝાડા-ઊલટીના કેસોમાં બાળકો સૌથી વધુ ઝપટે ચઢ્યાં છે. ખાનગી તેમજ સરકારી દવાખાનાંઓમાં દર્દીઓની ભીડ વધી રહી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, વાઇરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, પેટનો દુખાવો, તાવ-મેલેરિયાના કારણે પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

વાદળછાયું અને ભેજયુક્ત વાતાવરણ મચ્છરની ઉત્પત્તિ માટે ફેવરિટ વાતાવરણ ગણાય છે. આવા દિવસોમાં મચ્છરોની ઉત્પત્તિ સૌથી વધુ જોવા મળે છે, જેના કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસો વધે છે.

વીએસ હોસ્પિટલના બાળનિષ્ણાત ડો. જે. પી. વ્યાસે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જેટલી ઓપીડી હોય છે તેમાં છેલ્લા પંદર દિવસમાં બાળદર્દીઓમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ બાળકો કફ, શરદી, તાવનાં જોવા મળ્યાં છે ત્યાર બાદ ઝાડા-ઊલટી, પેટનો દુઃખાવો, વાઈરલ ઈન્ફેકશનથી પીડાતા બાળદર્દીઓ વધી રહ્યા છે.

હાલમાં દવાખાનામાં આવતા દર્દીઓમાં સૌથી વધારે કેસ તાવ, વાઇરલ, ગળામાં સોજાના નોંધાઈ રહ્યા છે. બીજા નંબર ગેસ્ટ્રોના કેસો વધુ જોવા મળે છે. આ અંગે જનરલ પ્રેક્ટિશનર ડો. હિમાંશુ શાહે જણાવ્યું હતંુ કે વરસાદની પેટર્ન બદલાઈ છે. એક દિવસના વરસાદ બાદ થોડા દિવસ કોરા જાય છે. વાતાવરણમાં ઠંડી અને ગરમીની મિશ્ર પરિસ્થિતિ છે, ઉપરાંત ઠેરઠેર ભીના કચરાના ઢગલા, પાણીનો ભરાવાે, ગંદકી જેવા અનેક કારણોથી વાઇરલ ઈન્ફેકશન અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિ છેલ્લા પંદર દિવસથી વકરી છે.

You might also like