બાળકોને સન્માર્ગે ચાલવા પ્રેરિત કરવાં જોઈએ

પોતાના બાળકને તેની બહુમુખી પ્રતિભાઓની રૂબરૂ કરાવવા એ દરેક માતાપિતાની ફરજ છે. જેમકે વિજ્ઞાન, કલા, રમતગમત અને સેવાકાર્ય. બાળકોની દૃષ્ટિ વિશાળ બને અને સમજનાં મૂળ ઊંડાં બને તે જોવાની માતાપિતાની ફરજ છે. પ્રત્યેક બળક એક નિશ્ચિત પ્રકૃતિ અને મૂળભૂત વિચારધારા સાથે જ જન્મ્યું છે, જે કોઈના બદલવાથી બદલાઈ જવાની નથી. માતાપિતાનું કામ તેમને સ્વપ્ન માટે પ્રેરિત કરવાનું છે, પરંતુ બાળકોમાં ખોટી આશા જગાવવી નહીં જોઇએ. બાળકો સમક્ષ એક સ્વપ્ન રાખીને તેમને સદ્‌માર્ગે ચાલવા માટે પ્રેરિત કેવી રીતે કરવા? આ પ્રશ્ન અત્યારના લગભગ મોટાભાગના માતાપિતાની સામે હોય છે.
માણસના મગજનાે ડાબાે અને જમણાે, એમ બે ભાગ હોય છે. વિદ્યાની દેવી સરસ્વતીની કલ્પના પણ અનોખી છે. તેમના એક હાથમાં સંગીતનું યંત્ર વીણા અને બીજા હાથમાં જ્ઞાનના પ્રતીકરૂપ પુસ્તક છે. પુસ્તક ડાબા મગજની પ્રવૃત્તિ દર્શાવે છે અને સંગીત જમણાં મગજની. જપમાળા ધ્યાન મગ્નતાનાં પાસાં ઉપર પ્રકાશ પાડે છે. આવી રીતે ગીત, જ્ઞાન અને ધ્યાન- એ ત્રણેય મળીને શિક્ષાને સંપૂર્ણ બનાવે છે.
બાળકો જેમ જેમ મોટાં થાય તેમ તેમનાંમાં અનેક પ્રકારની મનોગ્રંથિઓનો વિકાસ થાય છે. બાળકોને જરૂર કરતા વધારે અંતર્મુખી કે વધુ પડતા બહિર્મુખી બનવા દેવા જોઈએ હીણપતની ભાવનાથી પીડાતા હોય એ બાળકો પોતાનાથી નાના સાથે વધુ અને મોટા સાથે ઓછી વાતચીત કરતા હોય છે. અહંકારી બાળકો પોતાનાથી નાના સાથે ઓછી અને મોટા સાથે વધુ વાત કરે છે. બાળકોને તમામ વયના લોકો સાથે એકસરખો વ્યવહાર કરતા શીખવવુ જોઈએ.
બાળક જ્યારે કોઈ વસ્તુની ફરિયાદ કરે ત્યારે એક વાલીનું વર્તન ખુબ અગત્યનું હોય છે. તમારાથી અજાણતા થઈ ગયેલો ગુસ્સો બાળકને અંતર્મુખી થવા પ્રેરી શકે છે. બાળકની ફરિયાદ વખતે હંમેશાં સમજાવટથી કામ લેવુ જોઈએ. બાળકની ફરિયાદને સકારાત્મક્‌તા તરફ વાળી દેવી જોઈએ. બાળકોમાં પ્રકૃતિવશ કોઈ પણ માણસ પર ભરોસો મૂકી દેવાની વૃત્તિ હોય છે.
એક બાળક ગુણવાન અને પ્રતિભાશાળી બને તે માટે તેમનામાં દિવ્યતામાં, લોકોમાં અને લોકોની સારપમાં વિશ્વાસ હોવો જરૂરી છે. આનો મતલબ એ નથી કે બાળકે છેતરાવું જોઈએ. બાળકને સાચા-ખોટાનો ભેદ પારખતા પણ આવડવું જોઈએ. વિશ્વાસના વાતાવરણમાં ઉછરેલા બાળકો મોટા થાય ત્યારે બુદ્ધિમાન બને છે. બાળકની આસપાસ ક્યારેય ક્રોધ, પરેશાની, ઉદાસી કે નકારાત્મક્તાનું વાતાવરણ હોવુ જોઈએ નહીં. થોડીઘણી ધાર્મિક્તા બાળકમાં નૈતિક-આધ્યાત્મિક મૂલ્ય સર્જે છે અને અજ્ઞાત રીતે બાળકના વ્યક્તિત્ત્વને વિકસાવે છે.

You might also like