ચિલ્ડ્રન હોમ જેલ જેવું લાગે છે માટે અમે ભાગી ગયા!

અમદાવાદ: અમદાવાદના ઓઢવ નારી સંરક્ષણ ગૃહના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી 14 સગીરાઓ વોર્ડનની આંખમાં મરચાંની ભૂકી નાખીને ભાગી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ફરાર થયેલી 14 સગીરાઓ પૈકી 6 સગીરાઓને ઓઢવ વિસ્તારમાંથી ઓઢવ પોલીસને મળી આવી છે ત્યારે અન્ય એક સગીરા વેજલપુર વિસ્તારમાંથી મળી આવી છે અને બે સગીરાઓ સુરત પાસેથી મળી આવી છે. પોલીસે તમામ ફરાર થયેલી સગીરા ફોટોગ્રાફ્સ રાજ્યની તમામ પોલીસને મોકલી આપ્યા હતા.

બે સગીરાઓ સુરતમાં તેના પરિવારને મળવા જતા સુરત પોલીસે તેને ઝડપી લીધ હતી. પાંચ સગીરાઓને શોધવા માટે પોલીસે 6 અલગ અલગ ટુકડીઓ બનાવી છે. મળી આવેલી સગીરાઓએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી છે કે ચિલ્ડ્રન હોમ અમને જેલ જેવું લાગે છે, બહાર હરવા ફરવા દેતા નથી. કેદ કરીને રાખે છે, આ સિવાય અમારા પરિવારને પણ મળવા દેવામાં આવતાં નથી માટે અમે કંટાળી ગયા હોવાથી ભાગી ગયા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઇએ જણાવ્યું છેકે સગીરાઓએ કંટાળીને નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. કઇ સગીરાએ આખું આયોજન ઘડ્યું તે હજુ જાણી શકાયું નથી. મરચાની ભૂકી કોણે નાખી તે પૂછપરછ બાદ બહાર આવશે.

નારી સંરક્ષણ ગૃહના મહિલા સુરક્ષા કર્મચારી જયાબહેન પટેલે જણાવ્યું હતું કે, મારી નોકરીનો સમય પૂરો થઇ ગયો હતો તે સમયે પહેલા માળે કે જ્યાં 25 સગીરાને રાખવામાં આવે છે,ત્યાં ઝઘડવાનો અવાજ સંભળાયો હતો. જેથી હું દોડીને પહેલા માળે આવેલા હોલમાં પહોંચી હતી. ત્યાં 5 થી 6 સગીરાઓ મારઝુડ કરી રહી હતી. જેથી મેે તેમને છોડાવવા પ્રયાસ કર્યો પરંતું તેમણે મારી આંખમાં મરચાની ભૂકી નાખીને ફરાર થઇ ગઇ હતી.

નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતીઓ કે સગીરા ભાગી ગઇ હોવાની કોઇ પહેલી ઘટના નથી બની વર્ષ 2014માં નારી સંરક્ષણ ગૃહમાં શરદ પૂનમના ગરબા સમયે 10 યુવતીઓ ગ્રીલ તોડીને ફારાર થઇ ગઇ હતી. 2015માં 2 સગીરાઓ ફરાર થઇ ગઇ હતી. થોડાક દિવસો પહેલાં નારી સંરક્ષણ ગૃહમાંથી એક યુવતી ફરાર થઇ ગઇ હતી. નારી સંરક્ષણ ગૃહની સુરક્ષા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. નારી સંરક્ષણ ગૃહના સંકુલમાં કોઇપણ સીસીટીવી કેમેરા લગાવેલા નથી.

કોઇપણ સિક્યોરિટી ગાર્ડ પણ નથી રાખવામાં આવ્યો ગઇકાલે રાતે બનાવ બન્યો ત્યારે પણ એક મહિલા સુરક્ષા કર્મી હાજર ન હતી.  નારી સંરક્ષણ ગૃહ તથા ચિલ્ડ્રન હોમમાં પૌષ્ટિક આહાર નહીં આપતા તથા માનસિક અસ્વસ્થ યુવતી, સગીરાઓ અન્ય યુવતીઓ કે સગીરા સાથે રાખવાના મુદ્દે તથા પુનઃવસન જેવા અનેક મુદ્દાઓને લઇને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને જણાવ્યું હતું કે નારી સરંક્ષણ ગૃહ અને ચિલ્ડન હોમ નવાં બનાવાશે. ચાઇલ્ડ અને વેલફેર કમિટીના મેજિસ્ટ્રેટ મનીષાબહેન પટેલે જણાવ્યું છે કે પહેલાં ચિલ્ડ્રન હોમમાં ભણતી સગીરાઓ તથા ભૂલી પડેલી સગીરાઓને રાખવામાં આવતી હતી. છેલ્લા એકાદ બે મહિનાથી આ ચિલ્ડ્રન હોમને પોકસો હોમ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પોક્સો હોમમાં બળાત્કાર પીડિતાઓ, છેડતીનો ભોગ બનેલી જેવી સગીરાઓ રહે છે, તમામની સુરક્ષા માટે અમે સમાજ સુરક્ષા નિયામક અને સરકારમાં સીસીટીવી કેમેરા તથા સુરક્ષા કર્મીઓ મૂકવા માટે રજૂઆત કરી છે.

You might also like