જાતે બનાવ્યો બાળકો માટે બગીચો

ભૂજની ભાગોળે નવી બનેલી રહેણાક વસાહત ઓધવબાગ-૧માં બાળકો માટે બગીચાની સગવડ ન હતી. બગીચાનો પ્લોટ હતો, પરંતુ ત્યાં ઝાડી ઊગેલી હતી. બાળકોને રમવા માટે કોઇ જગ્યા ન હતી. આ સોસાયટીમાં એકાદ વર્ષ પહેલાં જ રહેવા આવેલા પરબતભાઇ મંજેરીએ જાતમહેનત ઝીંદાબાદ સૂત્રને આત્મસાત્ કરીને સ્વખર્ચે બગીચો બનાવવાનું નક્કી કર્યું. જમીનને સમતળ બનાવી, ત્યાં વોકિંગ ટ્રેક બનાવ્યો, બાળકો રમી શકે તે માટે હીંચકા, લપસિયાં, ચકરડી જેવાં સાધનો વસાવ્યાં. પરબતભાઇને જોઇને સોસાયટીના લોકોને પણ ઉત્સાહ આવ્યો. બગીચાને ફેન્સિંગ કરાવી, વૃક્ષોનું વાવેતર કરાયું, બેન્ચ નખાવવામાં આવી. ઉજ્જડ પડેલા પ્લોટની સિકલ ફરી ગઇ.

પરબતભાઇ જણાવે છે કે, “વૃક્ષો પ્રત્યે મને પહેલેથી જ લગાવ છે. હું જ્યારે રાપર તાલુકાના છોટાપર ગામે રહેતો હતો ત્યારે ત્યાં પણ મેં ઘણાં વૃક્ષો વાવીને ઉછેર્યાં હતાં અને અહીં પણ મને સોસાયટીવાળાઓનો ખૂબ સહકાર મળ્યો. તેથી જ આજે એક નાનકડો પણ સુંદર બગીચો અહીં બની શક્યો છે. સોસાયટીના વૉચમેનને જ માળીની ફરજ પણ સોંપી છે. તેથી બગીચાની દેખભાળ પણ થાય છે. આ બગીચો બનાવવાના કામથી લોકોનો એકબીજા સાથેનો સંપર્ક વધ્યો છે અને સોસાયટીમાં એકતા પણ વધી છે.”
બગીચાની સામે જ પડેલા બીજા ખાલી પ્લોટમાં તેમનો વિચાર બાળકો અને યુવાનો માટે વૉલીબોલ કોર્ટ બનાવવાનો છે. જો આ કોર્ટ બની ન શકે તો તેઓ ત્યાં વાહનોના પાર્કિંગ માટે જગ્યા બનાવવાનું વિચારે છે. એક વ્યક્તિ ધારે તો વેરાન જગ્યાને સુંદર બગીચામાં ફેરવી શકે છે તેનું ઉદાહરણ ભૂજના પરબતભાઇ છે.
http://sambhaavnews.com/

You might also like