નિઃસંતાનને સંતાન આપનારીઃ પુત્રદા એકાદશી

પુત્રદા એકાદશીનું વ્રત શ્રાવણ સુદ એકાદશીના રોજ કરવાનું હોય છે. પુત્રદા એટલે પુત્ર આપનારી, સંતાન સુખ આપનારી એકાદશી, આ એકાદશી કથાનું શ્રવણ અને વાચન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે, આ એકાદશીની કથા આ પ્રમાણે છે .

દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં મહીજિત નામનો એક રાજા થઇ ગયો રાજા પ્રજા વત્સલ હતો, રાજાને શેર માટીની ખોટ હતી, તેને હંમેશાં નિ:સંતાનપણાંનું દુ:ખ હતું. રાજા પ્રજા માટે ન્યાય પ્રિય હતો, તેને ક્યારેય અન્યાય કરેલ ન હતો. પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કરેલ છતાં તેના નસીબમાં પુત્રનુ સુખ હતું જ નહિ.

એક સમયે રાજાએ મહર્ષિ લોમેશ મુનિના દર્શન કર્યાં, આ મુનિએ રાજા મહીજિતને સદુપદેશ આપતાં કહ્યું હે રાજન, અનંત કાલથી જીવનું જન્મવું, મોટા થવું, ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે. ભૂતકાળમાં ભોગોનાં સુખો ભોગવવામાં કાંઈ બાકી નથી રહ્યું છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થઇ. મનુષ્યની બધી જ ધારણાઓ સિદ્ધ થતી હોય તો ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે.

જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર પુણ્ય, પાપ અને બળનો ઉપયોગ કરવો જોઈંએ. મનુષ્ય સુખ અને માત્ર સુખ માગ્યા કરે છે, પણ બિચારો એવી ચિંતામાં અટવાયો છે કે સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી.

“શ્રદ્ધા લભતે સુખમ્” એ સૂત્ર અનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ, પુણ્ય અને તપના સિદ્ધાંતોની શ્રદ્ધા સુખને લાવી આપે છે, પુત્ર સુખ આપે છે. આજે મનુષ્ય દુ:ખના દાવાનળમાં સળગી રહ્યો છે, કારણ કે મનુષ્ય પુણ્ય પાપના સિદ્ધાંતોને વિસરી ગયો છે, પુણ્ય પાપની શ્રદ્ધા વાળો જ સાચું મન, સ્વાસ્થ્ય પામી શકે છે.

રાજા મહીજિત મુનિવર લોમેશ ઋષિને પૂછે છે એવું કયું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. રાજાને મુનિ શ્રાવણ સુદ એકાદશીની પુત્રદા એકાદાશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવા અનુરોધ કરે છે.

અણુવ્રત એટલે શું? એવું પૂછતાં મુનિ જવાબ આપે છે, હે રાજન, પાંચ પ્રકારનાં અણુવ્રત છે, હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, મૈથુન ન કરવું, ચોરી ન કરવી અને વ્રતનું પાલન કરવું, જે વ્રતનું પાલન કરે મહાવ્રતી કહેવાય છે
કર્મોનાં બંધનને તોડવા માટે પુરુષાર્થ કરવો કોઈએ.

લોમેશ મુનિએ રાજાનો પૂર્વજન્મ જાણી લીધો અને મુનિએ કહ્યું, હે રાજન , પૂર્વ જન્મમાં ધોમધખતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વિયાયેલી ગાય પોતાનાં વાછરડાં સાથે પાણી પીવા આવી હતી તે વખતે તમે ગાય અને વાછરડાંને હાંકી કાઢીને પોતે પોતાની તૃષ્ણા છિપાવી હતી, પણ તમે ગાય માતા તેમજ વાછરડાંને તરસ્યાં તગડી મૂકયાં હતાં.
આ ઘોર પાપને લીધે તમારે આજે નિ:સંતાનપણું ભોગવવું પડે છે.

લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનુ વ્રત કરવા આદેશ આપ્યો. મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને પ્રજા જો પુત્રદા એકાદશી વ્રત કરે અને તે વ્રતનું પુણ્ય આપને અર્પણ કરે તો જ તમને સંતાનની પ્રાપ્તિ થશે.

એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનુ પ્રેમપૂર્વક વ્રત કર્યું. જેના પ્રભાવે મહીજિત રાજાની રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો.સંતાનની ઇચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઇએ.

આમ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. પુત્રદા એકાદશીની વ્રત કથા, તેનો મહિમા અને માહાત્મ્ય કે કથાનું વાચન કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્યનો વૈકુંઠમાં વાસ થાય છે. •

You might also like