દેશ અને દુનિયામાં ભયાનક હદે ચાલતું ચાઈલ્ડ ટ્રાફિકિંગ

તાજેતરમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગની કડવી વાસ્તવિકતાને દર્શાવતી ફિલ્મ ‘લવ સોનિયા’નું ટ્રેલર રિલીઝ થયા બાદ ઇન્ટરનેટ પર વાઈરલ થઇ ચૂક્યું છે. તેને મળેલો રિસ્પોન્સ જોઇને નિર્માતા અને નિર્દેશકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. રિલીઝ થયેલા ‘લવ સોનિયા’ના ટ્રેલરને અત્યાર સુધી એક કરોડ સત્તર લાખ વ્યૂ મળી ચૂક્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ફિલ્મમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગની ભયાનક સમસ્યાને ઉજાગર કરવામાં આવી છે.

આજકાલ આપણે છાશવારે બાળકો અને છોકરીઓની તસ્કરી અને સેક્સ રેકેટનો પર્દાફાશ થવાની ઘટનાઓ જોઇએ છીએ. ફિલ્મ ‘લવ સોનિયા’નું ટ્રેલર જોઇને મગજ સૂનમૂન થઇ જાય તેવું છે. વાસ્તવમાં સમાજના વરવા સત્યને પ્રદર્શિત કરતી ફિલ્મનો કોઇ પણ વિષય લોકોનું ધ્યાન ખેંચે એ સ્વાભાવિક છે.

આ ફિલ્મના ટ્રેલરને માત્ર એક વીકમાં મળેલો આવો રિસ્પોન્સ જોઇને ડિરેક્ટર તબરેજ નૂરાની અત્યંત રોમાંચિત છે. નૂરાનીએ એક નિવેદનમાં કહ્યું કે હું ‘લવ સોનિયા’ને મળેલાં આટલાં પ્રેમ અને પ્રશંસાથી ખૂબ જ ખુશ છું. મોટા ભાગનાં વખાણ ફિલ્મનાં કાસ્ટ અને ક્રૂનાં થઇ રહ્યાં છે, જેણે ભારતીય દર્શકો સુધી ફિલ્મ પહોંચાડવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે.

અસલી ઘટનાથી પ્રેરિત ફિલ્મ ‘લવ સોનિયા’ની કહાણીએ લોકોને હચમચાવી મૂક્યા છે. આ એક એવી છોકરીની કહાણી છે, જે ભારત, હોંગકોંગ અને લોસ એન્જલસમાં ફેલાયેલા ચાઇલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કમાં પોતાની બહેનને બચાવવા માટે જિંદગી દાવ પર લગાવી દે છે. ફિલ્મમાં મનોજ વાજપેયી, રિચા ચઢ્ઢા, રાજકુમાર રાવ, અનુપમ ખેર, આદિલ હુસેન, ડેમી મૂર અને ફ્રેડા પિન્ટો સામેલ છે.

ભારતમાં રોજ સરેરાશ ર૭૦ મહિલાઓ અને છોકરીઓ ગાયબ થાય છે. પોલીસ માનવ તસ્કરી અને સેક્સ રેકેટ જેવા અપરાધનો પર્દાફાશ પણ કરે છે. ફિલ્મ ‘લવ સોનિયા’માં આવી ઘણી હકીકતો દર્શાવાઇ છે.

ફિલ્મ ‘લવ સોનિયા’માં જે સત્ય હકીકતો પ્રદર્શિત કરવામાં આવી છે તે આંખ ઉઘાડનારી છે. ટ્રેલરમાં એવું દર્શાવાયું છે કે એક પિતા ઊઠીનેે સ્વયં પોતાની મજબૂરીના કારણે પોતાની જ દીકરીને વેચી મારે છે અને ત્યારબાદ આ દીકરી દેહવ્યાપારમાં ધકેલાઇ જાય છે.

જેને વેચવામાં આવી હતી તે પ્રીતિને તેની બહેન સોનિયા સમાજમાં પાછી લાવવાની કોશિશ કરવા તે સ્વયં નરાધમ માનવ તસ્કરો પાસે જવાનો નિર્ણય કરે છે. ટ્રેલરમાં સોનિયાની ભૂમિકા ભજવનાર મૃણાલનો અવાજ સંભળાય છે, તૂ જાનતી હૈ ના મુઝે, રૂકનેવાલી નહીં હૂં મૈં, કુછ ભી હો જાયે પ્રીતિ, કૈસે ભી ઢૂંઢકર નિકાલુંગી, લવ સોનિયા.

સમાજમાં આપણે ભલે ગમે એટલી ચોખલિયાપણાની વાતો કરીએ, પરંતુ એક હકીકત છે કે આપણા દેશમાં આજે ચાઇલ્ડ ટ્રાફિકિંગનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે.

એક અંદાજ અનુસાર આ સમસ્યા માત્ર આપણા દેશ પૂરતી જ સીમિત છે એવું નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ આજે અનહદપણે વધી રહ્યું છે. દુનિયામાં દર વર્ષે બે લાખ કરતાં વધુ બાળકો ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બને છે, જેમાંથી એક તૃતીયાંશ બાળકો ભારત સહિતના દ‌િક્ષણ એશિયાના દેશોનાં હોય છે.

એક બીજા ચોંકાવનારા અંદાજ અનુસાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચાઈલ્ડ ટ્રાફિકિંગ દ્વારા થતા વૈશ્વિક બિઝનેસનો વ્યાપ અંદાજે ૧પ.પ અબજ ડોલરનો છે. ભારતમાં દર વર્ષે સરેરાશ એક લાખથી વધુ બાળકો ગુમ થાય છે અને સરેરાશ જોઇએ તો ર૭૦ જેટલી છોકરીઓ અને મહિલાઓ પણ ગુમ થાય છે.

ગુમ થનારાં બાળકોમાં છોકરીઓની સંખ્યા ૬૦ ટકાથી વધુ હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે આજે પોર્ન ઇન્ડસ્ટ્રી ખાસ કરીને અમેરિકામાં એક ધીકતો ધંધો બની ગઇ છે, એમાં પણ વિકૃત લોકોને ચાઇલ્ડ પોનોગ્રાફીનું એક વરવું વ્યસન અને વળગણ થઇ ગયું છે.

માનવ તસ્કરીમાં સંગઠિત-ગેરકાયદે વ્યાપાર એટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે કે ભારતને એશિયામાં માનવ તસ્કરીના મુખ્ય કેન્દ્ર તરીકે માનવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ ચાઈલ્ડ ટ્રાફિકિંગની બાબતમાં કડક વલણ અપનાવ્યું છે, પરંતુ આપણે ત્યાં સરકારના પક્ષે ગુમ થતાં બાળકોની સમસ્યાઓ અંગે ઘોર ઉદાસીનતા જોવા મળી રહી છે.

ચાઈલ્ડ ટ્રાફિકિંગ અંગેના કાયદા અને ગાઇડ લાઇન્સનું કડકપણે પાલન કરવામાં આવતું નથી. ભારતનાં કેટલાંક પછાત રાજ્યમાં બાળકો અને ખાસ કરીને છોકરીઓની તસ્કરી કરતા એજન્ટ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ગરીબ તેમજ મજબૂર માતા-પિતાને તેમનાં સંતાનો વેચવાની ફરજ પાડી રહ્યા છે.

You might also like