માતાજીનો દોરો કાઢવા જતાં બાળક સરકી અને કેનાલમાં ડૂબી ગયું

અમદાવાદ: શહેરનાં શાહીબાગનાં ગીરધરનગર વિસ્તારમાંથી સવા મહિનાનાં બાળકનાં અપહરણનું સત્ય શાહીબાગ પોલીસે શોધી કાઢ્યું છે. બાળકની માતા માતાજીનાં છઠ્ઠનો દોરો પધરાવવા અંબાપુર ગામ નજીક નર્મદા કેનાલમાં ગઈ હતી ત્યારે દોરો કાઢવા જતાં તેનું બાળક હાથમાંથી નર્મદા કેનાલમાં સરકી ગયું હતું અને ડૂબી ગયું હતું. પોતાના પરિવારજનોની બીકનાં કારણે તેણે પોતાનાં બાળકનાં અપહરણની વાત ઊપજાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગિરધરનગર વિસ્તારમાં આવેલાં માકુભાઈનાં છાપરામાં હેતલબેન અમૃતભાઈ ચૌહાણે ચારેક દિવસ અગાઉ શાહીબાગ ગિરધરનગર વિસ્તારમાંથી પોતે રિક્ષામાં બેસી અને માતાજીનાં છઠ્ઠનો દોરો પધરાવવા જઈ રહી હતી ત્યારે રિક્ષામાં બેઠેલા શખસોએ તેને ચપ્પુ બતાવી બેભાન કરી અને તેના સવા મહિનાનાં બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયાં હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

શાહીબાગ પોલીસ સ્ટેશનનાં પીઆઈ જતીન પ્રજાપતિ અને સર્વેલન્સ સ્કવોડની ટીમે બાળકનાં અપહરણની ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરી હતી. પોલીસને મહિલા કંઈક છુપાવી રહી હોવાની અને ખોટું બોલી રહી હોવાની પહેલેથી જ શંકા હતી. પોલીસે રોડ પરનાં તથા રિક્ષાનાં નંબરોનાં આધારે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં હેતલબેન માતાજીનો દોરો પધરાવવા ગિરધરનગરથી બપોરનાં સમયે રિક્ષામાં બેસી ચાંદખેડા થઈ ઝુંડાલ સર્કલ ગયાં હતાં. જ્યાં અંબાપુર ગામ નજીક નર્મદા કેનાલ પાસે તેઓ પહોંચ્યાં હતાં અને તેઓ માતાજીનો દોરો કાઢવા જતાં હતાં દરમિયાનમાં તેમના હાથમાંથી બાળક સરકી ગયું હતું અને કેનાલમાં ડૂબી ગયું હતું.

પોતાના પરિવારજનો બાળકને નદીમાં નાંખી આવી અને તે બાબતે બોલશે તેવી બીકનાં કારણે તેણે પોતાના બાળકનાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. શાહીબાગ પોલીસે હવે હેતલબેન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like