બાળકી ICUમાં હતી, માતા-પિતા ગેરસમજ થતાં ઘરે જતાં રહ્યાં

અમદાવાદ: શહેરમાં છેલ્લા એક મહિનાથી નવજાત શિશુને ત્યજી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે અથવા અન્ય કારણસર જન્મ આપનારી માતા તેના બાળકને ત્યજીને ફરાર થઇ જાય છે. બાર દિવસ અગાઉ વીએસ હોસ્પિટલમાં પણ વીસ દિવસની બાળકીને ત્યજી દેવાનો કિસ્સો સામે આવ્યો હતો,

જોકે આ કિસ્સામાં ડોક્ટર અને માતા-પિતા વચ્ચે થયેલી ગેરસમજ પોલીસ તપાસમાં બહાર આવી છે. આઇસીયુમાં કાચની પેટીમાં બાળકને રાખવામાં આવ્યું હતું, જેથી ડોક્ટરે તમને બોલાવીએ ત્યારે આવજો તેમ કહ્યું હતું અને માતા-પિતા એવું સમજ્યાં કે ડોક્ટર તેઓને કામ હશે ત્યારે બોલાવશે તેમ માની ઘરે જતાં રહ્યાં હતાં.

૩ સપ્ટેમ્બરના રોજ વીએસ હોસ્પિટલમાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનું વજન ઓછું હોવાથી તેને આઇસીયુમાં કાચની પેટીમાં રાખવામાં આવી હતી. આઇસીયુમાં નવજાત શિશુ પાસે ડોક્ટર અને નર્સ સ્ટાફ સિવાય કોઇને પણ અંદર જવા દેવામાં આવતાં નથી. બાળકની સાર-સંભાળ અને દરેક બાબતનું ધ્યાન ડોક્ટર અને સ્ટાફ રાખે છે, જેથી આ બાળકીનાં માતા-પિતાને પણ આઇસીયુમાં જવા દેવામાં આવતાં ન હતાં.

ર૮ સપ્ટેમ્બરના રોજ બાળકીનાં માતા-પિતાને ડોક્ટરે આઇસીયુમાં જવાની ના પાડી હતી અને પછી આવજો, અમે તમને બોલાવીશું તેમ કહ્યું હતું. બાળકીની સારસંભાળ ડોક્ટરો જ કરતા હોવાથી ડોક્ટર અને સ્ટાફ તેમની બાળકી સાજી ન થાય ત્યાં સુધી સારસંભાળ રાખશે અને જ્યારે જરૂર હશે ત્યારે બોલાવશે તેમ માની ઘરે જતાં રહ્યાં હતાં. ડોક્ટર બોલાવશે ત્યારે જવાનું હશે તેમ માની ત્રણ દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં ગયાં ન હતાં.

ત્રણ દિવસ સુધી બાળકીનાં માતા-પિતા હોસ્પિટલમાં ન આવતાં બાળકીને ત્યજીને તેેઓ ફરાર થઇ ગયાં હોવાનું માની પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. એન. ખોખરાએ જણાવ્યું હતું કે ડોક્ટર અને માતા-પિતા વચ્ચે થયેલી ગેરસમજના કારણે આખો બનાવ ઊભો થયો હતો. માતા-પિતાનો બાળકીને ત્યજી દેવાનો કોઇ ઇરાદો ન હતો. માત્ર ગેરસમજ ઊભી થઇ હતી.

You might also like