૧૧ વર્ષનાં બાળકે ચાર વર્ષનાં બાળકને મારતાં અાંખમાં ગંભીર ઈજા

અમદાવાદ: બાળકના સંસ્કાર માતા પિતા, ઘરના સભ્યો તથા તેની આસપાસ વાણી વર્તણૂક પર આધારીત હોય છે…બાળપણથી તેના કૂમળા માનસ પર માતા પિતાનાં વાણી અને વર્તણૂકનું પ્રભુત્વ છવાયેલું રહે છે. માતા પિતા વચ્ચે થતા ઝઘડાની અસર બાળક પર એ હદે પડે છેકે તે પણ લોકો સાથે ઝઘડવા લાગે છે. આવો જ એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે શહેરકોટડા વિસ્તારમાં. જ્યાં માતા પિતાના ઝઘડો જોઇને ઝઘડો કરવા શીખેલા 11 વર્ષના કિશોરે ચાર વર્ષિય બાળકની આંખ ફોડી નાખી છે. હાઇકોર્ટે કિશોરનાં લાંબા ભવિષ્યની ચિંતા કરતા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરી છે અને કિશોરનું કાઉન્સિલિંગ કરાવવા આદેશ કર્યો છે. સાથોસાથ ઇજાગ્રસ્ત બાળકને રાજ્ય સરકાર વળતર ચુકવે અને સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર યોગ્ય થાય તે માટેનો પણ આદેશ હાઇકોર્ટે કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક પરિવારનું ચાર વર્ષનું બાળક રમકડાની ગાડી લઇને ઘર પાસે રમી રહ્યું હતું ત્યારે ગાયે તેનું રમકડું તોડી નાખ્યું હતું. આ ઘટનાથી ગાયના માલિકે બાળકના પરિવાર સાથે બોલાચાલી કરી હતી. બંને પરિવાર આમનેસામને આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. તેવામાં 11 વર્ષનો કિશોર ઘરમાંથી સાવરણો લઇને આવ્યો હતો અને ચાર વર્ષિય બાળકના માથા પર મારવાનું શરૂ કરી દીધું હતું.

સાવરણાની સળી બાળકની ડાબી આંખમાં ધૂસી જતાં તેની આંખની કીકી બહાર આવી ગઇ હતી.  જેથી તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શહેરકોટડા પોલીસ આ મુદ્દે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ સમયે બંને પરિવાર વચ્ચે સમાધાન થઇ ગયું હતું. જેમાં ઇજાગ્રસ્ત બાળકની સારવાર માટે એક લાખ રૂપિયા કિશોરના પરિવારજનોએ આપ્યા હતા.  પોલીસે કરેલી ફરિયાદ રદ કરવા માટે કિશોરના પરિવારજનોએ હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. જેમાં હાઇકોર્ટે તમામ મામલો ધ્યાને લેતાં કિશોરના માતા પિતાના રોજબરોજ થતા ઝઘડાની અસર કિશોર પર પડી હોવાથી તે ઝઘડો કરતાં શીખ્યો હોવાનું અવલોકન કર્યું હતું. હાઇકોર્ટે કિશોરનાં લાંબા ભવિષ્યની ચિંતા કરતાં પોલીસે કરેલી ફરિયાદ રદ કરી છે ત્યારે કિશોરનું કાઉન્સિલિંગ કરાવવાનો આદેશ કર્યો છે. આ સિવાય ઇજાગ્રસ્ત બાળકને રાજ્ય સરકાર વળતર આપે અને સિવિલ હોસ્પિટલ તેની યોગ્ય ટ્રીટમેન્ટ કરે તેવો આદેશ કર્યો છે.

You might also like