ચિકનગુનિયા સામેની લડાઈમાં મોસમ વિભાગ પણ મદદ કરશે

નવી દિલ્હી: દર વર્ષે મહામારીનું રૂપ લેતા ચિકનગુનિયા અને ડેન્ગ્યુને રોકવા માટે મોસમ વિભાગ પણ હવે એક મહત્ત્વનું પગલું ભરશે. જે સિઝનમાં અથવા વાતાવરણમાં મચ્છર ઉત્પન્ન થાય છે અને બીમારીઓ ફેલાય છે તે અંગેની જાણકારી મોસમ વિભાગ પહેલાં જ આપી દેશે. મોન્સૂનમાં દેશનાં ઘણાં શહેરોમાં બેદરકારીનો નમૂનો જોવા મળે છે. દરેક જગ્યાએ પાણી ભરાય છે. સાથે-સાથે પાણીજન્ય રોગ અને મચ્છરની ઉત્પત્તિને રોકવાના પૂરતા પ્રયાસ કરાતા નથી. આ જ કારણ છે કે દર વર્ષે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ મોટા પ્રમાણમાં લોકોને પોતાનો શિકાર બનાવે છે.

મોસમ વિભાગની આ યોજના ઇ-મેઇલ પર કાર્ય કરશે. મોસમ વિજ્ઞાનીઓ નગર નિગમો અને સરકાર તેમજ સંબંધિત વિભાગોને જૂૂન મહિનાથી ઇ-મેઇલ મોકલવાનું શરૂ કરશે. આ ઇ-મેઇલમાં મોસમ વિજ્ઞાનીઓ આગામી એક અઠવાડિયાનું પૂર્વાનુમાન આપશે કે એ અઠવાડિયે વરસાદ ક્યાં અને કેવો રહેશે, તાપમાન કેવું રહેશે તેમજ ભેજ કેટલા ટકા સુધી રહેવાની શકયતા છે.

પૂર્વાનુમાનની સાથે-સાથે એવું પણ જણાવાયું છે કે ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો પ્રકોપ વધુ ન ફેલાય તે માટે કેટલાક ઉપાય કરી શકાય છે. આ પૂર્વ સૂચનાના આધારે સરકાર તેમજ વિવિધ અધિકારીઓ પાણીના સંગ્રહને રોકવા તેમજ દવાનો છંટકાવ કરવાની દિશામાં તૈયારીઓ કરશે એટલું જ નહીં‌ ડિસ્પેન્સરી અને હોસ્પિટલને એલર્ટ કરી દેવાશે. વિભાગ તરફથી આ આશયની બેઠક પણ થઇ ચૂકી છે.

૭૦ થી ૯૦ ટકા ભેજમાં જન્મે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર
મોન્સૂન દરમિયાન ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છર ઉદ્ભવે છે. ચિકિત્સકો અને અન્ય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ફેલાવનારા આ મચ્છરની ઉત્પત્તિમાં રર થી ૩૧ ડિગ્રી તાપમાન અને ૭૦ થી ૯૦ ટકાનો ભેજ જવાબદાર છે.

You might also like