મુખ્યપ્રધાન વિજય રૂપાણી શહેરના કોટ વિસ્તારના નાગરિકોને મળ્યા

અમદાવાદ: વિધાનસભા ચૂંટણીમાં ૧પ૦ પ્લસના ટાર્ગેટ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ગૌરવ મહાસંપર્ક યાત્રાના બીજા દિવસે શહેરના કોટ વિસ્તાર ખાડિયા-જમાલપુરના નાગરિકોને મળ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્ર સાથે સરકારની વિકાસ ગાથાની પત્રિકા સાથે નાગરિકોને ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. આજે સવારે ખાડિયા વિસ્તારમાં આવેલા રણછોડરાયજીના મંદિરે આરતી કર્યા બાદ તેમણેે ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાનનો બીજા દિવસનો પ્રારંભ કર્યો હતો.

સવારે ખાડિયા સારંગપુરના રણછોડરાયજીના મંદિરથી રાયપુર ચકલા અને ત્યાંથી રોડ શો દ્વારા જમાલપુર બહેરામપુરા સુધી તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો. સવારના સમયના ઓછા ટ્રાફિકમાં ગીચ વિસ્તારમાં પક્ષનું જનસંપર્ક અભિયાન ૧૦-૦૦ વાગ્યા સુધી પૂરું કરી દેવાયું હતું. ભાજપ સરકારની સિદ્ધિઓનું વર્ણવતી પુસ્તિકાના સહારે કમિટેડ મતદારોને પાછા વાળવાનો પ્રયત્ન હાથ ધરાયો છે. રૂપાણીના રોડ શો દરમિયાન તમામ નાગરિકોને મોદીના પત્રની નકલનું વિતરણ કરાયું હતું.

છ દિવસીય મહાસંપર્ક અભિયાનમાં આજે શહેરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત દસ્ક્રોઇ ખાતે નિકોલ વોર્ડમાં કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલ, વેજલપુર ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજા, નિકોલ ખાતે શહેર અધ્યક્ષ જગદીશ પંચાલ, અમરાઇવાડી રબારી કોલોની ખાતે રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને નરોડા મેઘાણીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયાએ નાગરિકોનો ડોર ટુ ડોર સંપર્ક કર્યો હતો.

You might also like