પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની મુખ્યપ્રધાનપદે બીજી વાર તાજપોશી

કોલાકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે બીજી વાર શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે તેમના કેબિનેટના ૪૩ જેટલા પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. પશ્ચિમ બંગાળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું છે કે તેઓ મમતા બેનરજીના શપથ સમારોહમાં હાજર રહેશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ પોલીસ વિરુદ્ધ આંદોલન છેડશે.
કોલકાતાના રેડરોડ પર યોજાનારા સમારોહમાં રાજ્યના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી મમતા બેનરજી અને અન્ય પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. મમતા બેનરજીએ ગુરુવારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીની મુલાકાત લઇને શપથ ગ્રહણ કરનારા પ્રધાનોની એક યાદી સુપરત કરી હતી. નવા પ્રધાનમંડળમાં પૂર્વ ભારતીય ક્રિકેટર લક્ષ્મીરતન શુકલા, સોવનદેબ ચેટરજી જેવા કુલ ૧૭ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે મેં માલદા સિવાય તમામ જિલ્લા, જ્ઞાતિ, ધર્મના લોકોને કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપ્યું છે. માલદામાં અમારા કોઇ પ્રતિનિધિ નથી. મારી કેબિનેટમાં આ વખતે કેટલાક નવા ચહેરા પણ છે. આમ દીદી સાથે ૪૩ પ્રધાન શપથ લેશે. આ શપથ સમારોહમાં રાજદના પ્રમુખ લાલુ યાદવ સાથે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ સહિત ૧૪૦ જેટલા વીવીઆપીઓ હાજર રહેશે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા પણ હાજરી આપશે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના કાર્યક્રમમાં હાજર રહેશે નહીં, પરંતુ તેમણે પોતાના પ્રતિનિધિ મોકલ્યા છે.
આ ઉપરાંત દીદીના શપથ સમારોહમાં મૂકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન પણ ઉપસ્થિત રહેશે. બીજી બાજુ મમતા બેનરજીના શપથ લેતાં પહેલાં રાજ્યમાં ૩૦ અધિકારીઓની બદલી કરાઇ છે. ચૂંટણીપંચે જે અધિકારીઓને હટાવ્યા હતા તેમને તેમના મૂળ હોદા પર ફરીથી મૂકી દીધા છે..

You might also like