ચિદંબરમના પુત્રની કંપની પર ઈડી, આઈટીના દરોડા

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના નેતા કાર્થી પી ચિદંબરમની કેટલીક જગ્યાઓ ઉપર વ્યાપક દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. પૂર્વ નાણા મંત્રી પી ચિદંબરમના પુત્ર કાર્થી સાથે સંબંધિત સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. એરસેલ-મેક્સીસ કેસના સંબંધમાં ચાલી રહેલી મની લોન્ડરીંગ કેસ મામલામાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.

સંસ્થાઓએ કાર્થી સાથે સંબંધિત બે કંપનીઓ વસન આઈ કેર અને એડવાન્ટેજ સ્ટ્રેટેજીક ઉપર દરોડા પાડ્યા હતા. એરસેલ-મેક્સીસ સૌદાબાજીમાં ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કેસ એકંદરે ટુજી કૌભાંડ કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે છે. આ દરોડા અંગે પ્રતિક્રિયા આપતાં ચિદંબરમે કહ્યું છે કે જો સરકાર તેમને ટાર્ગેટ બનાવવા માંગે છે તો સીધી રીતે મેદાનમાં ઉતરવું જોઈએ.

તેમના પરિવાર અને અન્ય સભ્યો સરકાર દ્વારા છેડવામાં આવેલી ખોટી રમતનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. ઈડી માટે નિમાયેલા ડેપ્યુટી ડિરેક્ટર રાજેશ્વરસિંહ પણ તપાસ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઈડીએ એક કંપનીના બે ડિરેક્ટરો સામે સમન્સ જારી કર્યા હતા.

એવો આક્ષેપ પણ કરાયો છે કે, કાર્થી ચિદંબરમ દ્વારા અંકુશ ધરાવતી કંપનીને પણ એરસેલના વેચાણ દરમિયાન ફાયદો થયો હતો. સીબીઆઈએ પહેલાથી જ તપાસના ભાગરૂપે કાર્થીનું નિવેદન નોંધી લીધું છે. દરોડાની કાર્યવાહીથી આજે રાજકીય વર્તુળોમાં ચર્ચા રહી હતી.

You might also like