નિયમોની ઐસી કી તૈસીઃ તિહારમાં યોજાઈ કેદીઓની ચિકન-મટન પાર્ટી

નવી દિલ્હી: તિહાર જેલની અંદર પાંચ કેદીઓ દ્વારા ચિકન-મટન પાર્ટી કરવાની ફરિયાદ સામે આવી છે. દિલચસ્પ વાત એ છે કે આ વીવીઆઇપી પાર્ટી તિહાર જેલમાં જેલરની ઓફિસની અંદર એસીમાં ચાલી રહી હતી, જેમાં બે કેદી બિલ્ડર પણ હતા એટલું જ નહીં, પાર્ટી કરનારા કેદી જેલની અંદર નિયમોની ઐસીતૈસી કરીને પાર્કમાં ઇવનિંગ વોક પણ કરે છે. તિહાર જેલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાર્ટી જેલ નં.૧માં યોજાઇ હતી. પાંચ કેદી લેગપીસ અને મટનની પાર્ટી કરી રહ્યા હતા.

આ પાર્ટી પૂરી થવાની તૈયારી હતી ત્યાં જ તેમને પકડી લેવાય તેવી જાણકારી આ જેલના સુપરિન્ટેન્ડેન્ટને પણ આપવામાં આવી તો તે ઘટનાને દબાવી દેવાઇ, પરંતુ કેદીઓની આ પાર્ટીની તમામ માહિતી ડ્યૂટી રજિસ્ટરમાં નોંધાઇ ગઇ. પુરાવા દૂર કરવા માટે કોઇ રજિસ્ટરનું પાનું ન ફાડી નાખે તે માટે રજિસ્ટરમાં નંબરિંગ પણ કરાયું.

આ ઉપરાંત જ્યારે જેલના તમામ કેદી નવ સાડા નવ સુધી જેલનાં વોર્ડ અને બેરેકમાં બંધ કરાય છે ત્યારે વગદાર કેદીઓ પોતાના વોર્ડમાંથી બહાર નીકળે છે અને જેલની અંદર બનેલા પાર્કમાં રાતના ૧૧-૦૦ વાગ્યા સુધી વોક કરતા હોય છે.

જેલના નિયમ મુજબ જેલ બંધ થયા પછી કોઇ પણ કેદી પોતાના વોર્ડમાંથી બહાર આવી શકતા નથી. આ વાતથી જેલ નં.૧ના મોટા ભાગના કેદી અને ત્યાં તહેનાત અધિકારીઓ પણ  વાકેફ છે, પરંતુ અહીં તેમને રોકનાર કોઇ નથી.

You might also like