છત્તીસગઢઃ શૌચાલય બનાવો સેલ્ફી લો અને ઈનામ જીતો

જશપુર: આગામી રક્ષાબંધનના પર્વ નિમિત્તે છત્તીસગઢના જશપુર જિલ્લામાં અેક અનોખી સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં ભાઈ તેની બહેનને શૌચાલયની ભેટ આપીને તે અંગેની સેલ્ફી લઈને આ સ્કીમમાં મોકલશે. તે માટે નિયત કરેલું ઈનામ મેળવી શકશે.

વડા પ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જશપુર જિલ્લામાં શૌચાલય નિર્માણ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઈને આ તહેવાર શૌચાલયનો ઉપહાર તરીકે મનાવવામાં આવશે. આ સ્કીમ હેઠળ રક્ષાબંધન પહેલાં જે કોઈ ભાઈ તેની બહેન માટે શૌચાલય બનાવી આપશે તો તેને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ સ્કીમની શરત મુજબ શૌચાલય બંધાઈ ગયા બાદ જે તે ભાઈ બહેને શૌચાલયની સેલ્ફી લઈને આ સ્કીમ માટે મોકલવાની રહેશે.

આ અંગે કલેકટરે જણાવ્યું કે જિલ્લા સ્તરના આ કાર્યક્રમ દ્વારા અેવા સ્પર્ધકોને પુરસ્કૃત કરીને સન્માનિત કરવામાં આવશે. જશપુરના કલેકટર ડો. પ્રિયંકા શુકલઅે જણાવ્યું કે રક્ષાબંધનના તહેવારના અેક માસ પહેલાં ૧૮ જુલાઈએ જિલ્લામાં સ્વચ્છતા બંધન દિવસ મનાવવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દિવસે અનુરોધ રેલી, આહવાન રેલી અને સ્વચ્છતા જ્યોતિ યાત્રા દ્વારા રક્ષાબંધન પૂર્વે શૌચાલય નિર્માણ માટે બાળકીઓ અને મહિલાઓ દ્વારા ભાઈઓને ઉપહાર તરીકે શૌચાલય નિર્માણ કરાવવા માટે આગ્રહ કરવામા આવ્યો હતો.તેને ધ્યાનમાં લઈ આવું આયોજન કરવામાં આવ્યું છે. તે મુજબ આ ઈનામ આપવામાં આવશે.

You might also like