છત્તીસગઢમાં પોલીસે કમાન્ડર સહિત ચાર નકસલીને ઠાર માર્યા

રાયપુર: છત્તીસગઢના નકસલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં પોલીસે એક અથડામણમાં ચાર નકસલીઓને ઢાળી દીધા છે. આ અથડામણમાં એક પોલીસ જવાન પણ ઘાયલ થયો છે. અહેવાલો અનુસાર નકસલો અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન એક એમ્બ્યુલન્સને ફૂંકી મારીને સીઆરપીએફના પાંચ જવાનો અને બે નાગરિકોનાંં મોત નીપજાવનાર નકસલ કમાન્ડર પર પણ આ અથડામણમાં માર્યો ગયો છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે માઓવાદી જન મિલિસિયાના કમાન્ડર અર્જુન સહિત ચાર નકસલીઓને ઠાર માર્યા હતા.

છત્તીસગઢના નકસલ બાબતના સ્પેશિયલ પોલીસ ડીજીપી ડીએમ અવસ્થીએ જણાવ્યું હતું કે દંતેવાડા અને સુકમા જિલ્લાની સરહદ પર પુંગાર પહાડના જંગલમાં પોલીસે એક અથડામણમાં ચાર નકસલીઓને ઠાર માર્યા હતા. આ ઘટનામાં એક પોલીસ જવાનને પણ ઈજા પહોંચી હતી.

અવસ્થીએ જણાવ્યું છે કે પોલીસને દંતેવાડા અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં નકસલીઓની પ્રવૃત્તિઓની જાણ થઈ હતી. આ બાતમી મળ્યા બાદ જિલ્લા પોલીસ દળ, એસટીએફ અને ડીઆરજીએ સંયુક્ત પેટ્રોલિંગ ટીમને રવાના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ટીમ જ્યારે પુંગાર પહાડના જંગલમાં પહોંચી ત્યારે નકસલીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધા હતા. આ ઘટનામાં એક પોલીસ જવાનને ગોળી વાગતાં તેને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે વળતા ગોળીબારમાં ચાર નકસલીઓને ઠાર માર્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ ટુકડીએ અત્યાર સુધીમાં આ ઘટનામાં ચાર નકસલીઓને ઢાળી દીધા છે. આ પોલીસ ટીમ નકસલીઓનો સતત પીછો કરી રહી છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર જંગલમાં હજુ અથડામણ જારી છે. પોલીસને ઘટના સ્થળે મોટી સંખ્યામાં શસ્ત્રો પણ હાથ લાગ્યા છે. તેમણે જણાવ્યું છે કે નકસલીઓના શબ અને ઘાયલ જવાનને જંગલની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

You might also like