છત્તીસગઢમાં રોપ વે તૂટી પડતાં મહિલાનું મોતઃ ત્રણ યાત્રીને ઈજા

રાયપુર: છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લામાં બમલેશ્વરી દેવી પહાડી વિસ્તારમાં બનાવવામાં આવેલો રોપ વે તૂટી પડતાં અેક મહિલાનું મોત થયું હતુ તેમજ અન્ય ત્રણ યાત્રિકને ઈજા થઈ હતી.  આ અંગે રાજનંદગાંવ જિલ્લાના પોલીસ અધિકારીઓઅે જણાવ્યું હતું કે જિલ્લાના ડોંગરગઢમાં આવેલા બમલેશ્વરી દેવી પહાડી વિસ્તારમાં બનાવવામાં આવેલો રોપ વે તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ટ્રોલી જમીન પર પડી ગઈ હતી.

જેમાં બેઠેલી ૬૮ વર્ષીય મહિલા બિન્દુ મિશ્રાનું મોત થયું હતુ. જ્યારે બિન્દુના પતિ વ્રજભૂષણ મિશ્રા, હેમલતા મિશ્રા અને રાધે મોહન મિશ્રાને ઈજા પહોંચી છે. દરમિયાન હવામાં લટકતી સાત ટ્રોલીઓમાં બેઠેલા ૨૧ યાત્રિકને પોલીસે બચાવી લીધા છે. ડોંગરગઢ ક્ષેત્રના પોલીસ અધિકારી અજિત યાદવે જણાવ્યું કે ડોંગરગઢમાં લગભગ ૧૬૦૦ ફૂટ ઊંચા બમલેશ્વરી દેવી પહાડી વિસ્તારમાં આવેલા બમલેશ્વરી મંદિર માટે રોપ વે દ્વારા ટ્રોલી ચલાવવામાં આવે છે. જેના દ્વારા યાત્રિક મંદિર પહોંચી શકે છે. ગઈ કાલે જ્યારે ભાવિકો દર્શન કરી પરત ફરતા હતા ત્યારે કેબલ અચાનક નીચે આવી જતાં અેક ટ્રોલી જમીન સાથે અથડાઈ ગઈ હતી. તેમજ અન્ય સાત ટ્રોલી હવામાં લટકી ગઈ હતી.

પોલીસ અધિકારીઅે વધુમાં જણાવ્યું કે ઘટના બાદ ભારત-તિબેટ સરહદ પોલીસ અને જિલ્લા પોલીસ દળની સંયુકત ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પોલીસે ઘવાયેલા યાત્રિકને ડોંગરગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. તેમજ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

You might also like