દિલ્હીમાં છઠ પૂજાનાં અવસરે આજે તમામ શાળાઓ બંધ

નવી દિલ્હીઃ છઠ પૂજાનાં અવસર પર આજે દિલ્હીની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. આસ્થાના મહાપર્વ છઠ આ વર્ષે ૧૧ નવેમ્બરથી શરૂ થયો અને ૧૪ નવેમ્બરે પૂર્ણ થશે. આ વર્ષે છઠ પૂજામાં સૂર્યનો પહેલો અર્ઘ્ય ૧૩ નવેમ્બરે આપવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીની પબ્લિક અને પ્રાઈવેટ સ્કૂલ ૧૩ નવેમ્બરે બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીનાં નાયબ વડા પ્રધાને એલજી સમક્ષ ૧૩ નવેમ્બરે જાહેર રજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પર્વ બિહારમાં ખૂબ જ ધૂમધામથી મનાવાય છે. આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને નેપાળમાં પણ છઠ મૈયાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘરના તમામ સભ્ય વ્રત રાખે છે અને ભોજપુરીના પ્રસિદ્ધ છઠ મૈયાના ગીતો સાંભળે છે.

છઠ પૂજા ચાર દિવસનો ઉત્સવ છે. તેની શરૂઆત કારતક સુદ-૪થી થાય છે અને તેનું સમાપન કારતક સુદ-૭મે થાય છે. છઠનું વ્રત કરનાર સતત ૩૬ કલાકનાં નિર્જળા ઉપવાસ કરે છે. આ વ્રતમાં શુદ્ધતા પર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. આ વ્રતને ખૂબ જ ક‌િઠન વ્રતમાંથી એક માનવામાં આવે છે. આ વર્ષે છઠનું પર્વ ૧૧ નવેમ્બરથી શરૂ થયું હતું, જે ૧૪ નવેમ્બરે પૂર્ણ થશે.

છઠ પૂજા વાસ્તવિક રૂપમાં પ્રકૃતિની પૂજા છે. આ અવસર પર સૂર્ય ભગવાનની પૂજા થાય છે. જે એક માત્ર એવા ભગવાન માનવામાં આવે છે કે જે જોઈ શકાય છે. ભગવાન સૂર્યની પૂજા કરીને એ દર્શાવવામાં આવે છે કે જે સૂરજે દિવસભર આપણી જિંદગીને રોશન કરી તે નિસ્તેજ થતાં પણ આપણે તેને નમન કરીએ છીએ.

You might also like