અપાર સંતાન સુખ આપનાર સૂર્ય છઠનું વ્રત

ભગવાન સૂર્યનારાયણ જગતને અજવાળે છે. ઉનાળામાં પ્રજવાળે છે. શિયાળામાં ગરમી આપે છે. ચોમાસામાં ભેજનો નાશ કરે છે. કારતક સુદ છઠ એટલે સૂર્ય છઠ. સૂર્ય છઠનું વ્રત ગુજરાત સિવાય લગભગ તમામ રાજ્યમાં થાય છે. જોકે અન્ય રાજ્યોની દેખાદેખી તથા ટીવીના માધ્યમને કારણે આ વ્રત છેલ્લાં દસેક વર્ષથી ગુજરાતમાં પણ બહેનો કરવા લાગી છે.
સૂર્ય છઠનું વ્રત કરનાર સ્ત્રીનાં બાળકો લાંબું જીવે છે. એથી કહી શકાય કે સૂર્ય છઠનું વ્રત કરનાર સ્ત્રીનાં બાળકો દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે. આ વ્રતનું બીજું નામ ડાલાછઠ છે. જે સ્ત્રીઓનાં સંતાન જન્મ્યાં પછી, થોડા દિવસ, મહિના કે વર્ષમાં મૃત્યુ પામતાં હોય તે સ્ત્રીઓ આ વ્રત વિશેષ કરતી હોય છે. સૂર્ય છઠનાં વ્રતમાં ત્રણ ઉપવાસ કરવાના હોય છે. આ વ્રતમાં પહેલો ઉપવાસ પાંચમે કરવાનો હોય છે. પાંચમના દિવસે એકટાણું કરવાનું હોય છે. જે અલૂણું કરવાનું હોય છે. બીજા દિવસે સ્ત્રીએ માત્ર ગળું ભીનું થાય તેટલા જળ ઉપર જ દિવસ ખેંચવાનો હોય છે. એટલે કે છઠના દિવસે સવારે નાહીને સૂર્યદેવની પૂજા કરવાની હોય છે. જ્યારે પણ તરસ લાગે ત્યારે માત્ર સહેજ ગળું ભીનું થાય તેટલું જ જળ પીવાનું હોય છે. ન રહેવાય તેવું લાગે તો બરફ ચૂસવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. હા જે તે બહેન ફરાળ કરી શકે છે. બને તો એક બે કેળાં કે એક બે સફરજન ખાવાં. તે પણ માત્ર પેટનો આધાર થાય તેટલાં જ.
છઠના દિવસે સાંજે નદી કિનારે કે તળાવ કિનારે જઈ સૂર્યનારાયણ કે જે જગતના નાથ છે તેમને અર્ધ્ય આપવો. રાતના સાત આઠ વાગે ઘરે પરત આવવાનું રહે છે. બને તો રાતભર નદી કે તળાવને કાંઠે ભજન કરવાં. પ્રભુ સ્મરણ કરવું. આખી રાતનું જાગરણ કરવું.
સાતમે નદી કે તળાવને કાંઠે જઈ ત્યાં સ્નાન પૂજન કરી, જ્યારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યદેવને અર્ધ્ય આપવો. સંતાનને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવી. ઉપવાસ સાતમે પણ કરવાનો રહે છે તે પણ માત્ર એકટાણે ફળાહાર કરીને જ ઉપવાન કરવો. આઠમની સવારથી તે વ્રતમુક્ત થાય છે.
કથા: એક સ્ત્રી હતી. તેનું નામ સુલેખા હતું. તે મગધમાં રહેતી હતી. તેને સંતાન થતાં ન હતાં. આથી તેણે ભગવાનને યાદ કરી સંકલ્પ કર્યો કે જો મારે સંતાન થશે તો હું સૂર્યદેવનું વ્રત કરીશ.
સૂર્યદેવની કૃપાથી તેને સુંદર પુત્ર જન્મ્યો. આ પુત્ર દિવસે દિવસે મોટો થવા લાગ્યો છતાં તેણે સૂર્ય છઠનું વ્રત કર્યું નહીં. પુત્ર ધીમે ધીમે કિશોર થયો, યુવાન થયો તેને સૂર્ય છઠ કરવાનું યાદ હતું છતાં તે વ્રત કરતી ન હતી. દરેક કારતક માસનાં કાંઈક ને કાંઈક બહાનાં કાઢી વ્રતને પાછળ ઠેલતી હતી.
એક વખત પુત્ર તથા સુલેખાનાં પુણ્યથી એક સારા ઘરની સંસ્કારી કન્યાના વડીલ તરફથી પુત્ર માટે માંગું આવ્યંુ. સુલેખાએ તે માંગુ વધાવી પુત્રના લગ્ન રંગેચંગે કર્યાં.
પતિ પત્ની જાન સાથે પરત આવ્યાં. ત્યારે રસ્તામાં જંગલ આવ્યું. રાત પડતાં તેમને રાતવાસો કરવો પડ્યો. સવારે પત્નીએ ઊઠીને જોયું તો પતિ મૃત્યુ પામ્યો હતો. તેણે રડારોળ શરૂ કરી દીધી. તે વખતે એક ઘરડાં બહેન ત્યાં આવ્યાં. તેમણે તે નવવધૂને કહ્યું કે, “હું છઠ માતા છું. તારાં સાસુએ મારું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ તેણે વ્રત ન કર્યું પરંતુ તારા પુણ્યને કારણે હું તારાં પતિને જીવતો કરું છું. આ વાત તારા સાસુને જણાવી તેમને મારું વ્રત કરવાનું યાદ દેવડાવજે. જેથી તેના પુત્રને કાંઈ થાય નહીં. પતિ પત્ની જાન સાથે ઘેર આવ્યાં. વહુએ તથા જાનૈયાએ બધી વાત સુલેખાને કરી. સુલેખાને તેની ભૂલ સમજાઈ. તેણે કારતક આવતાં જ વ્રત કર્યું. માતાજીએ પતિને જીવતો કર્યો તેથી વહુ પણ આ વ્રત કરવા લાગી.”
નોંધઃ આ વ્રત પાંચમ, છઠ, સાતમે કરવું.•

You might also like