ટેસ્ટ ક્રિકેટનો માસ્ટર ચેતેશ્વર પૂજારા હવે રમશે ટી-20 લીગમાં

રાજકોટઃ ભારતનો ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પૂજારા ૧૪ મેથી શરૂ થનારી પહેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં રમશે. પૂજારા પોતાના હોમગ્રાઉન્ડમાં રમાનારી આ ટી-૨૦ લીગમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પૂજારા ડી. વાય. પાટીલ ટી-૨૦ કપ સહિત ઘણી ટી-૨૦ લીગમાં રમતો રહે છે. પૂજારાની આ લીગ માટે ઉપલબ્ધતા અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએેશને જાણકારી આપી.

પ્રથમ વાર રમાઈ રહેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પાંચ ટીમ ભાગ લેશે. પૂજારા ઝાલાવાડ રોયલ્સ તરફથી રમશે. યાદીમાં જણાવ્યાં અનુસાર ગત ચોથી મેએ ખેલાડીઓનું ડ્રાફ્ટિંગ કરાયું. કચ્છ વોરિયર્સે પૂજારાની ડ્રો પ્રક્રિયાથી ખુદને અળગી રાખી હતી, કારણ કે તેમની ટીમમાંથી જયદેવ ઉનડકટ રમવાનો છે.

પૂજારાને ફરીથી ડ્રો બોક્સમાંથી ચિઠ્ઠી ઉપાડવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં ચાર ટીમ- ગોહિલવાડ ગ્લેડિએટર્સ, સોરઠ લાયન્સ, હાલાર હીરોઝ અને ઝાલાવાડ રોયલ્સની ચિઠ્ઠી હતી. પૂજારાએ ઉપાડેલી ચિઠ્ઠીમાં ઝાલાવાડ રોયલ્સનું નામ નીકળ્યું હતું.

બધાં ફ્રેંચાઇઝી માલિકો એ વાતથી ખુશ છે કે પૂજારાએ ઈંગ્લિશ કાઉન્ટીની વ્યસ્તતા વચ્ચે SPL માટે સમય કાઢ્યો છે. પૂજારા ૬૮ ટેસ્ટ મેચમાં ૫૪૨૬ રન બનાવી ચૂક્યો છે. તેનો ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૨૦૬ રનનો છે.

You might also like