અહીંની પીચ પર ૧૮૭ રનનો સ્કોર ૩૦૦ની બરોબરઃ ચેતેશ્વર

જોહાનિસબર્ગઃ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ગઈ કાલની રમત પૂરી થયા બાદ કહ્યું કે અહીં ૧૮૭ રન પણ ૩૦૦ રનની બરોબર છે. દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ૫૦ રનની ઇનિંગ્સ રમ્યા બાદ ચેતેશ્વરે કહ્યું કે, ”આવી મુશ્કેલ પીચ પર રન બનાવવા ઘણા સંતોષજનક રહ્યા.” ભારતીય ટીમ ૧૮૭ રનમાં ઓલઆઉટ થઈ, પરંતુ પૂજારાના જણાવ્યા અનુસાર પ્રથમ ઇનિંગ્સનો આ સ્કોર પણ પડકારજનક છે.

પૂજારાએ કહ્યું, ”આ એટલો સારો સ્કોર છે, જેટલો સામાન્ય પીચ પર ૩૦૦ રન બનાવવા. મેં અત્યાર સુધીમાં જેટલી મુશ્કેલ પીચ પર બેટિંગ કરી છે, નિશ્ચિત રીતે જ આ પીચ એમાંની એક છે. કેપટાઉનમાં પ્રથમ ટેસ્ટમાં મળેલી પીચની સરખામણીએ પણ આ પીચ ઘણી મુશ્કેલ છે. પૂર્ણરૂપે અમે સારી બેટિંગ કરી. સ્કોર બોર્ડ પર નોંધાયેલા રન પૂરતા છે અને અમે તેમને (દક્ષિણ આફ્રિકાને) આઉટ કરી શકીએ છીએ. આ પીચ ઘણી અલગ છે. શરૂઆતમાં તે ધીમી હતી, પરંતુ એમાં ઘણો ઉછાળ હતો.”

વધુમાં ચેતેશ્વરે જણાવ્યું, ”આ પીચ પર બોલ હવામાં બંને તરફ સ્વિંગ થતો હતો અને તિરાડ પર પીચ પડ્યા બાદ બોલ ગમે તે બાજુએ ફંટાઈ જતો હતો.” ઉલ્લેખનીય છે કે પૂજારાએ ૧૭૯ બોલનો સામનો કરીને ૫૦ રન બનાવ્યા હતા. તેણે કહ્યું, ”અાપણા બોલર ગુડલેન્થ બોલિંગ કરવા માટે ટેવાઈ ગયા છે.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ દક્ષિણ આફ્રિકાની બેટિંગ પોતાનું કામ કરશે. આ વિકેટ પર લાંબા સમય સુધી ટકી રહેવું બહુ જ મુશ્કેલ છે. દિવસના અંતિમ સત્રમાં મેં જોયું હતું કે તિરાડ મોટી થઈ રહી છે. અમે દક્ષિણ આફ્રિકાને ૧૫૦ રનની અંદર ઓલઆઉટ કરવા માગીએ છીએ. અહીં વરસાદની પણ શક્યતા છે. આ સ્થિતિમાં ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળશે.”

૫૪મા બોલ પર ખાતું ખોલનારા પૂજારાએ કહ્યું, ”આ વિકેટ પર તમે બિટ થયા વિના બેટિંગ કરી ના શકો અને તમારે આ સ્વીકારવું રહ્યું. જો તમે આવી પીચ પર દિવસના અંતમાં અર્ધસદી ફટકારીને પાછા ફરતા હો તો એ સારી ઇનિંગ્સ કહી શકાય. ખાતું ખોલ્યા વિના બેટિંગ કરતી વખતે એક સમયે મને પણ એવું લાગી રહ્યું હતું કે બહુ જલદી પહેલો રન બનાવું, પરંતુ આ પીચ પર છેડો બદલવો બહુ જ મુશ્કેલ હતો. હું શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અહીં દર્શકો હસી રહ્યા હતા, પરંતુ એ તરફ ધ્યાન આપ્યું નહોતું.”

You might also like