પૂજારાએ બદલી રણનીતિ, હવે બોલ છોડવાની કરી રહ્યો છે પ્રેકટિસ

કેપટાઉનઃ
ભારતીય બેટિંગનો મુખ્ય આધાર ચેતેશ્વર પૂજારાએ દક્ષિણ આફ્રિકા સામે તા. ૫ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન કેપટાઉનની ઉછાળવાળી પીચ પર બોલને સારી રીતે છોડવાનાં મહત્ત્વ પર ધ્યાન આપ્યું છે. ભારત ચાર વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ૦-૧થી શ્રેણી હારી ગયું હતું.

પૂજારાએ પ્રેક્ટિસ સેશન બાદ જણાવ્યું, ”બોલને સારી રીતે છોડવો એ મહત્ત્વપૂર્ણ વાત છે, ખાસ કરીને વિદેશી પીચ પર. એક વાર તમે જ્યારે એશિયાની બહાર નીકળો છો ત્યારે પીચમાં ઘણો ઉછાળ હોય છે અને એ જ કારણ છે કે બેટ્સમેને બોલ છોડવો જોઈએ.” પૂજારા પાસે દક્ષિણ આફ્રિકાના પાછલા બંને પ્રવાસ દરમિયાન રમવાનો અનુભવ છે અને તે દક્ષિણ આફ્રિકામાં પોતાની ત્રીજી શ્રેણીમાં સકારાત્મક વિચારસરણી સાથે મેદાનમાં ઊતરવા ઇચ્છે છે.

પૂજારાએ કહ્યું, ”આ મુદ્દો ટેકનિકલી અને માનસિક રૂપથી જોડાયેલો છે. સારી વાત એ છે કે મોટા ભાગના ખેલાડી અગાઉ પણ અહીં રમી ચૂક્યા છે. હું ખુદ બે વાર અહીં પ્રવાસ કરી ચૂક્યો છું.”

પૂજારાને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘શું ટીમને તૈયારી કરવા માટે ઓછો સમય નથી મળ્યો?’ આ પ્રશ્નનો ઉત્તર તેણે નકારમાં આપ્યો હતો. તેણે જણાવ્યું, ”જ્યારે અમે શ્રીલંકા સામે ઘરેલુ શ્રેણીમાં રમી રહ્યા હતા ત્યારે જ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અમારા દિમાગમાં હતો. અમે ભારતમાં જ આ પ્રવાસની કેટલીક તૈયારીઓ કરી લીધી હતી. મને નથી લાગતું કે અમારી ટીમને તૈયારીનો સમય નથી મળ્યો.”

You might also like