શહેર કોંગ્રેસ પ્રમુખપદે ચેતન રાવલ યથાવત્ રહે તેવી શક્યતા

અમદાવાદ: યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવાઇ હતી. ગુજરાતમાં “કોંગ્રેસ આવે છે” તેવા સૂત્ર સાથે પક્ષ ગાંધીનગર સર કરવા માગે છે. આવા ચૂંટણીના માહોલમાં અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખપદે વર્તમાન પ્રમુખ ચેતન રાવલ યથાવત્ રીતે પોતાના હોદ્દા પર જળવાઇ રહે તેવી શક્યતા છે.

કોંગ્રેસ હાઇકમાન્ડ માટે લાંબા સમયથી અમદાવાદ શહેર- જિલ્લાના નવા પ્રમુખની નિમણૂકનો મામલો પેચીદો બન્યો છે. હાઇકમાન્ડે સંભવિત પ્રમુખના નામની પેનલ તૈયાર કરીને દિલ્હી મંજૂરી માટે મોકલી દીધી છે, તેમાં પણ એક આગેવાનનું નામ નિશ્ચિત કરાયું હોવાની ચર્ચા પણ સમયાંતરે ઊઠતી રહી છે. નવા પ્રમુખ પાટીદાર સમાજ કે ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરનારા હશે તેવી અફવાઓનો દોર પણ ચાલતો રહ્યો છે, જોકે નવા પ્રમુખના નામની જાહેરાત એક અથવા બીજા કારણસર વિલંબમાં પડી છે.

પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે જેમનું નામ નવા પ્રમુખ તરીકે ચર્ચાસ્પદ બને કે તરત તે નામનો વિરોધ શરૂ થઇ જાય. પરિણામે કોકડું ઉકેલાવાના બદલે ગૂંચવાતું રહેવાથી હવે તો આગામી સોમવારથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શહેર-જિલ્લા સ્તરેથી હાથ ધરાશે.
http://sambhaavnews.com/

You might also like