ચેતન બેટરીની હત્યા કરનારો વિશાલ નાયક વિદેશ ફરાર?

અમદાવાદ: સાબરમતી જેલમાં ચેતન બેટરીની હત્યા કરી ચર્ચાસ્પદ બનેલો કુખ્યાત વિશાલ નાયક પેરોલ જમ્પ કરીને વિદેશમાં જતો રહ્યો હોવાની ચર્ચા ઉચ્ચ સ્તરીય પોલીસસૂત્રોમાં ચાલી રહી છે. બોગસ પાસપોર્ટના આધારે કે પછી દરિયાઇ રસ્તે વિદેશમાં ભાગી જવા માટેનું જેલમાં બેઠાં બેઠાં કાવતરું ઘડ્યું હોવાનું પણ પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વિશાલ નાયક ચેતન બેટરી હત્યા કેસ સિવાય અમદાવાદમાં એક યુવકની હત્યા કેસમાં સંડોવાયેલો છે. આ બન્ને કેસમાં તેને આજીવન કેદની સજા થઇ છે અને જેલમાં મોબાઇલ ફોન રાખવાના તથા મારમારીના ગુનાઓ પણ દાખલ થયા છે.

જેલને ગુનેગારોની નગરી પણ કહેવામાં આવે છે. જેલમાં રહીને પણ ક્યારેક ગુનેગારો પોતાનું નેટવર્ક ઓપરેટ કરતા હોય છે. આવામાં ગુજરાતની ઘણી જેલોમાં પોતાનું નેટવર્ક ઊભું કરનાર વિશાલ નાયક છેલ્લા 7 મહિનાથી પેરોલ જમ્પ કરીને વિદેશ પલાયન થઇ ગયો છે. થોડાક સમય પહેલાં વિશાલ નાયક પાસેથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોબાઇલ ફોન જપ્ત થયો હતો. આવો ખૂંખાર આરોપી પેરોલ રજા ઉપરથી વોન્ટેડ થઇ જતાં પોલીસ માટે તેને પકડવો પડકારરૂપ સા‌બિત થયું છે.

પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા વિશાલ નાયક અને તેના સાગરીતોએ મળીને નવરંગપુરા વિસ્તારમાં રહેતા દેવાંગ પરીખ નામના યુવકને ઢોર માર માર્યો હતો ત્યારબાદ ઉઘરાણીના ત્રાસથી કંટાળીને દેવાંગ પરીખે સાબરમતી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી ત્યારથી લઇને આજ‌િદન સુધી વિશાલ નાયક ફરાર છે. હજુ સુધી ગુજરાત પોલીસ તેને શોધી શકી નથી.

ઉચ્ચ સ્તરીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી વિશાલ નાયક વિદેશમાં ભાગી જવાની ફીરાકમાં હતાે ત્યારે જેલમાં બેઠાં બેઠાં તેણે વિદેશ ફરાર થઇ જવાનો પ્લાન બનાવ્યો હતો દેવાંગની આત્મહત્યા બાદ તે ફરાર થઈ ગયો છે. ત્યારે તપાસ એજન્સીઓ વિશાલ કઇ જગ્યાએ છે તે શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધાં છે.

You might also like