ચેન્નઈના વિદ્યાર્થીઓએ દેશની પ્રથમ ઓટોમેટિક વ્હીલચેર તૈયાર કરી

ચેન્નઇ: તામિલનાડુમાં બી-ટેકના ત્રણ વિદ્યાર્થીઓએ દેશની પ્રથમ ઓટોમેટિક વ્હીલચેર બનાવી છે. આ વ્હીલચેરની ખાસિયત એ છે કે તે સ્વયં રસ્તો શોધીને યુઝરને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં સક્ષમ છે. તેમાં રોબોટિક ઓપરેટિંગ સિસ્ટમ (આરઓએસ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેના પર સવાર યુઝરને ખાડા અને અવરોધોથી બચાવે છે.

સામાન્ય રીતે આ પ્રકારની વિદેશી ચેર ઘણી મોંઘી હોય છે, પરંતુ અમૃત વિશ્વ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ તેને માત્ર રૂ.એક લાખ કરતાં ઓછા ખર્ચમાં તૈયાર કરી છે.

વિદ્યાર્થીઓ સાથે પ્રોજેકટનું મોનિટરિંગ કરનાર પ્રો.આર.કે.મહાલિંગમ્ જણાવે છે કે જરૂર પડેે અમે આ વ્હીલચેરનું ટેસ્ટિંગ હોસ્પિટલ અને એરપોર્ટ પર પણ કરીશું. આ ટેકનિકનો પ્રોફેશનલ ઉપયોગ કરવામાં આવશે તો તેના કારણે લાખો લોકોની જિંદગી સરળ બની જશે.

દર્દીઓને હવેે વ્હીલચેર ચલાવવા માટે જોયસ્ટિકનો ઉપયોગ કરવો પડશે નહીં. જો તેમને સ્માર્ટફોનના ઉપયોગમાં મુશ્કેલી પડશે તો ઘરના કોઇ પણ સભ્ય મોબાઇલ એપથી ચેરને ઓપરેટ કરી શકશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થી ચિંતા રવિ તેજા, શરત ‌શ્રીકાંત અને અખિલ રાજે બે વર્ષની જહેમત બાદ આ વ્હીલચેર બનાવવામાં સફળતા હાંસલ કરી છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે ચેરમાં ફિટ કરવામાં આવેલ આરઓએસ આજુબાજુનો ડાયનેમિક અને સ્ટેટિક નકશો તૈયાર કરે છે. લેસર સેન્સર દ્વારા આ નકશો સ્ક્રીન પર દેખાય છે. યુઝર નકશામાં જે જગ્યાને સિલેકટ કરશે, વ્હીલચેર રસ્તો આપોઆપ શોધીને પોતાની દિશામાં આગળ વધવા લાગશે.

You might also like