ડોળિયા બાઉન્ડરી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતાં ભયનો માહોલ

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાયલા નજીક આવેલી ડોળિયા બાઉન્ડરી પાસે કેમિકલ ભરેલું એક ટેન્કર પલટી ખાઇ જતાં ભયનો માહોલ સર્જાયો હતો અને કલાકો સુધી હાઇવે પરનો ટ્રાફિક જામ થઇ જતાં અનેક વાહનચાલકો ફસાઇ ગયા હતા.

કચ્છથી સાબુ બનાવવાનું કેમિકલ ભરી આવી રહેલ ટેન્કર સાયલા નજીક ડોળિયા બાઉન્ડરીની ગોળાઇમાં પલટી ખાઇ જતાં રોડ પર કેેમિકલની રેલમછેલ થઇ ગઇ હતી. ચીકાશયુકત કેમિકલ રોડ પર ઢોળાતાં રોડ પરથી પસાર થતા અનેક વાહનો સ્લિપ ખાઇ ગયાં હતાં. આ ઉપરાંત કેમિકલની તીવ્રતાના કારણે લોકોને આંખમાં બળતરા પણ થવા લાગી હતી.

રોડ પર કેમિકલની ટેન્કર પલટી ખાઇ ગઇ હોવાની જાણ થતાં આ કેમિકલ જલદ હશે તેવી દહેશતથી લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી. ટેન્કર પલટી ખાઇ જતાં જ ડ્રાઇવર ટેન્કરને છોડી નાસી છૂટયો હતો. આ ટેન્કર કેમિકલ ભરી અંકલેશ્વર જઇ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઇ રોડ પર ઢોળાયેલું કેમિકલ સાફ કરાવવાની કાર્યવાહી શરૂ કરાવી હતી અને ક‌ેમિકલના કારણે વધુ વાહનો સ્લિપ ન થઇ જાય તે માટે સાવચેતીના પગલાંરૂપે રોડની બંને તરફનો ટ્રાફિક અટકાવી દીધંો હતો.

You might also like