ચેકપોસ્ટ પર રોકાતી ટ્રકોની કાર્યવાહી માટે હવે મુખ્ય કચેરીએ જવું નહીં પડે

અમદાવાદ: રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાછલા નાણાકીય વર્ષમાં ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ચેકપોસ્ટ પર થતી મોટી ગેરરીતિને અટકાવવા માટે ચેકિંગ સઘન બનાવ્યું હતું, જેના પગલે મોટી સંખ્યામાં કરચોરી આચરતી ટ્રાન્સપોર્ટ કંપનીઓ ઝડપાઇ ગઇ હતી, જોકે તેના પગલે ઘણા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેઓને પણ ડિપાર્ટમેન્ટની મુશ્કેલીઓનો ભોગ બનવું પડ્યું હતું. પાછળથી ટ્રાન્સપોર્ટર્સની અને વેટ પ્રેક્ટિશનર્સ તથા વેપારી એસોસિયેશનો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઇ હતી, જેના પગલે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે ચેકપોસ્ટ પર રોકાતી ટ્રકોના પ્રશ્નોના નિવારણ માટે જોઇન્ટ કમિશનરને સત્તા આપી છે.

આ અંગેના પ્રશ્નો જોઇન્ટ કમિશનર કક્ષાએ ઉકેલી શકાશે. ઉલ્લેખનીય છે કે ચેકપોસ્ટ પર ટ્રકો રોકાય તો તેના જરૂરી દસ્તાવેજો તથા સંબંધિત કાર્યવાહી માટે અમદાવાદની આશ્રમરોડ સ્થિત મુખ્ય કચેરી ખાતે દોડી આવવું પડતું હતું. તેના કારણે વેપારી ટ્રાન્સપોર્ટર્સને મોટું આર્થિક નુકસાન જતું હતું તેની સાથે સમય પણ વેડફવો પડતો હતો. નવા નિયમ અનુસાર વેપારીનો નોંધણી નંબર જે જોઇન્ટ કમિશનરના ક્ષેત્રમાં આવતો હોય તેમને હવેથી મેમો ટ્રાન્સફર કરવામાં આવશે અને વેપારીઓ ત્યાંથી જ કાર્યવાહી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વેપારી અને પ્રેક્ટિશનર્સે અમદાવાદ સુધી દોડવું પડતું હતું તથા તેની ટ્રક છોડાવવા સંબંધે લાંબી કાર્યવાહી કરવી પડતી હતી, જેમાં મોટો સમય બગડતો હતો તથા વેપારીને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતો હતો.

You might also like