ત્રણ મહિલાઓને ભોગ બનાવી ગઠિયાઓ રૂ. સાડા છ લાખની મતા પડાવી ફરાર

અમદાવાદ: શહેરના ગોમતીપુર, નરોડા અને શહેરકોટડા વિસ્તારમાં ત્રણ મહિલાઓને છેતરી ગઠિયાઓ રૂ.સાડા છ લાખની મતા પડાવી લઇ ભાગી છૂટતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ગોમતીપુરમાં બાલાભાઇ કુંભારની ચાલીમાં રહેતી મધુબહેન કનૈયાલાલ કહાર નામની મહિલા રાયપુર મિલ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ગઠિયાઓએ આ મહિલાને રોકી વાતચીતમાં પરોવી વિશ્વાસ પેદા કર્યો હતો અાથી અા મહિલા ગઠીયાની વાતોમાં ભોળવાઈ ગઈ હતી.

ગઠીયાએ અા મોકોનાે લાભ લઈ કાગળનું બંડલ બનાવી રૂમાલમાં ‌વીંટી આ પૈસાનું બંડલ છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તમારા ઘરેણાં અાપો તેવું જણાવી રૂ.ર૦,૦૦૦ની કિંમતનાં ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા. જ્યારે સરદારનગરમાં રહેતી કોમલબહેન સુનીલભાઇ નંદાને નરોડા પાટીયા નજીક ટ્રાવેલ્સમાં મુસાફરી દરમિયાન કોઇ ગઠિયાએ તેની નજર ચૂકવી રોકડ રકમ અને ઘરેણાં સહિત રૂ.છ લાખની મતા ઓળવી લીધી હતી.

આ ઉપરાંત શહેરકોટડા વિસ્તારમાં આવેલ મામુ પઠાણની ચાલીમાં રહેતી હંસાબહેન સુરેશભાઇ પટણીને નરોડા ચામુંડાબ્રિજ નજીક બે ગઠિયા વિશ્વાસમાં લઇ તેની નજર ચૂકવી તેની પાસેથી રૂ.રપ,૦૦૦ના ઘરેણાં પડાવી ગઠિયા ફરાર થઇ ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like