અધિકારીની ઓળખ અાપી હોમગાર્ડ જવાને ૧૦૦થી વધુ મહિલાઓને અાબાદ છેતરી

અમદાવાદ: સરકારી અધિકારી તરીકેની ઓળખ આપી આધેડ વયની નોકરિયાત મહિલાને ટાર્ગેટ બનાવી તેમની સાથે મિત્રતા કેળવી પૈસા અને સોનાના દાગીના પડાવી લઇ છેતરપિંડી આચરતા હોમગાર્ડની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. પોલીસે રૂ.ર.૭૧ લાખના સોનાના દાગીના કબજે લીધા છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પીઆઇ જે.એમ.ચૂડાસમા તથા પીએસઆઇ આઇ.એમ. ઝાલાને બાતમી મળી હતી કે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપી મહિલાઓ સાથે છેતરપિંડી આચરતાે શખસ સનાથલ સર્કલ પાસેથી પસાર થવાનો છે. જેના આધારે પોલીસે નંદુભાઇ ડાહ્યાભાઇ વાળંદ (ઉં.વ.પ૭, રહે.સોનીનો ખાંચો, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલુપુર)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં છેલ્લા એક વર્ષમાં મણિનગર, નારણપુરા, કૃષ્ણનગર, વિવેકાનંદનગર, સાણંદ, આણંદ, નડીઆદ, ખેડા વગેરે જગ્યાએ ૧૦૦ જેટલી મહિલાઓ સાથે છેતરપિંડી આચરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આરોપી નંદુ અમદાવાદ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. શટલિયા રિક્ષા, એએમટીએસ અને રેલવેમાં આધેડ વયની નોકરિયાત મહિલા સાથે અપટુડેટ કપડાં પહેરી પોતાની વાતમાં ભોળવી સરકારી અધિકારીની ઓળખ આપી વિશ્વાસમાં લેતો હતો. પોતાનો મોબાઇલ નંબર આપીને મહિલાઓના પ્રશ્નો ઉકેલવાનું જણાવી પૈસા અને સોનાના દાગીના પડાવી લેતો હતો. મહિલાઓ જલદીથી કોઇની વાતમાં ભોળવાઇ જતી હોય અને પરિવારના ડરથી ફરિયાદ ન કરતી હોવાનો લાભ લઇને માત્ર નોકરિયાત મહિલાઓને જ ટાર્ગેટ બનાવતો હતો. હોમગાર્ડમાં નોકરી કરતો હોવાથી મોબાઇલ ફોનના ટ્રેક અંગેની તમામ જાણકારી હોવાથી અલગ અલગ સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો.

ગત માર્ચ મહિનામાં પીઆઇ તરીકે ઓળખ આપી બાવળામાં અેક મહિલાના ઘરે ગયો હતો અને મહિલાને વાતોમાં ભેળવી રૂ.૧.૯૧ લાખના દાગીના પડાવી લીધા હતા. જે અંગે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
http://sambhaavnews.com/

You might also like