વિવિધ કઠોળની સસ્તી દાળ માટે જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે

અમદાવાદ: સરકારે વિવિધ કઠોળના વધતા ભાવને અંકુશમાં લેવા માટે તથા જમાખોરી અટકે તે માટે પગલાં ભર્યાં છે તેમ છતાં તુવેરની દાળ સહિત વિવિધ દાળના ભાવ વધતા અટકવાનું નામ નથી લેતા. સ્થાનિક બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે વિવિધ કઠોળની સસ્તી દાળ માટે સામાન્ય લોકોને હજુ આઠથી દશ સપ્તાહની રાહ જોવી પડી શકે છે.

તુવેરની દાળના ભાવ આગામી ચારથી છ સપ્તાહમાં સ્થાનિક બજારમાં રૂ. ૧૫૦થી ૧૮૦ની વચ્ચે રહી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વિવિધ કઠોળની દાળના ભાવ વધતા અટકે તે માટે તુવેરની દાળ સહિત અન્ય દાળની પણ મોટા પ્રમાણમાં આયાત કરી છે. આગામી બેથી ત્રણ મહિનામાં ચણા તથા મસૂરની દાળ મોટા પ્રમાણમાં આયાત થવાની આશા છે ત્યારે ભાવમાં વધુ ઘટાડો જોવાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક બાજુથી તુવેરની નવી દાળની આવક આવવાની શરૂ થઇ ગઇ છે તથા સ્થાનિક ગુજરાતનાં બજારોમાં પણ જાન્યુઆરીના અંતમાં નવી આવક આવવાની શરૂ થઇ જશે ત્યારે ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતાઓ સ્થાનિક બજારના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

You might also like