મોંઘી બ્રાન્ડની દારૂની બોટલમાં સસ્તી બ્રાન્ડ અને પાણીનું મિક્સિંગ

અમદાવાદ: શાહપુર કૂવાવાડાની પોળમાં મોંઘાદાટ દારૂની ખાલી બોટલ લાવી તેમાં પાણી ભેળવી નકલી દારૂ વેચવાનું કૌભાંડ અમદાવાદ પીસીબીની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી મોંઘીદાટ દારૂની બોટલ અને ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.

આરોપી રાજસ્થાનથી દારૂની બોટલ લાવી ઘરે જ ભેળસેળ કરી હોમ ડિલિવરી કરતો હતો. વિધાનસભાની ચૂંટણીના બે દિવસ બાકી છે ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજ્યમાં ચાલતી દારૂની હેરાફેરી પર પોલીસે બાજ નજર ગોઠવી હતી. વિવિધ શહેરો અને વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપ્યો છે.

અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ચાલે છે પરંતુ ગઈ કાલે સાંજે પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતી પીસીબીની ટીમે શાહપુરના કૂવાવાડાની પોળમાં મોંઘાદાટ દારૂની ખાલી બોટલમાં થોડા બ્રાન્ડેડ દારૂમાં પાણી ભેળવી નકલી દારૂ વેચવાનું કૌભાંડ ઝડપી પડ્યું હતું.

ઇન્ચાર્જ પીસીબી એસીપી એમ.કે રાણાની ટીમે બાતમીના આધારે દરોડો પાડી હરીશ શોભારામ ગોહિલ (વાળંદ)ની ધરપકડ કરી હતી. પોલીસે ઘરમાં દરોડો પાડતા સિવાસ રિગલ, એબ્સ્યુલેટ વોડકા, બ્લેન્ડર સ્પ્રાઇટ, સુલા વાઈન, બકાર્ડી, મેજિક મોમેન્ટ જેવા મોંઘીદાટ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ઉપરાંત પોલીસને રોયલ સ્ટેગ જેવો દારૂ, ગરણી અને મોંઘાં દારૂની ૨૫ જેટલી ખાલી બોટલ મળી આવી હતી. આરોપી આ ખાલી બોટલમાં સિવાસ રિગલ, એબ્સ્યુલેટ વોડકા, બ્લેન્ડર સ્પ્રાઇટ જેવા દારૂનું થોડું પ્રમાણ અને રોયલ સ્ટેગ તેમજ પાણી મિક્સ કરી અને નકલી દારૂ બનાવતો હતો. આરોપી હરીશની પૂછપરછ કરતાં રાજસ્થાનનાં રામસિંગ ગામેથી દુકાનદાર પાસેથી આ દારૂનો જથ્થો ભરીને લાવ્યો હતો.

સસ્તા બ્રાન્ડના દારૂ અને પાણીને બ્રાન્ડેડ બોટલમાં મિક્સ કરી રૂ. ૧૦૦૦માં દારૂની બોટલની હોમ ડિલિવરી કરતો હતો. અલગ અલગ કોથળા, પેટી અને બેગમાં દારૂનો જથ્થો ભરીને રાખ્યો હતો. ૧૧૦ જેટલી મોંઘા દારૂની બોટલ અને રપ ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી હરીશની ધરપકડ કરી છે.

You might also like