ચાતુર્માસમાં પણ શ્રાવણ મહિનાે ગણાય છે સર્વોત્તમ

પવિત્ર શ્રાવણ માસમાં શિવપુરાણનું પઠન અને શ્રવણ અનેક પુણ્યોનું કારક ગણાય છે. તેવી જ રીતે પ્રણવ મંત્ર ઓમકારનો મંત્રનો જાપ પણ મનુષ્યને પ્રપંચથી મુકત કરીને તેના મનને અને સ્વભાવને પ્રભાવિત કરે છે. ભગવાન ભોળાનાથ પોતે પાંચ કર્મોનાં કારક છે.

આ પાંચ કર્મો એટલે (૧) સૃષ્ટિ (૨) સ્થિતિ (૩) સંહાર (૪) તિરોભાવ (પ) અનુગ્રહ. સંસારનો આરંભ કરવો એ સૃષ્ટિ કૃત્ય, તેનો નાશ એટલે સંહાર, તેનો ઉદ્ધાર એટલે તિરોભાવ, અને જીવનો મોક્ષ એટલે અનુગ્રહ. આમ સૃષ્ટિનો આરંભ કરવાથી માંડીને તેનું પોષણ અને તેનો ઉદ્ધાર અને મોક્ષ સુધીનાં મહત્વનાં પાંચ કાર્યો ભગવાન દેવાધિદેવ મહાદેવજી કરે છે.

આ પાંચ કાર્યો પંચ મહાભૂતોમાં દૃષ્ટિગોચર થાય છે. પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, વાયુમાં તિરોભાવ અને ગગન (આકાશ)માં અનુગ્રહ પ્રગટ થાય છે. આ પાંચેય કાર્યો યથાયોગ્ય સ્થિતિમાં થાય એટલે એ પાંચ મુખો પણ છે. અને એટલે જ મહાદેવજી પંચ મહાભૂતનાં કારક દેવ ગણવામાં આવે છે.

અનંત કૃપા અને દૃષ્ટિથી બ્રહ્માને સૃષ્ટિ કાર્ય પ્રાપ્ત થયું છે. સ્થિતિ કાર્ય (ભરણ-પોષણ અને લાલન પાલન) ભગવાન વિષ્ણુ થકી થાય છે. તિરોભાવ અને સંહાર એ બે કાર્યો રુદ્ર અને મહેશ્વરને પ્રાપ્ત થયા છે. જો કે અનુગ્રહ (મોક્ષ)નું શ્રેષ્ઠ કાર્ય ભગવાન મહાદેવ ખુદ સંભાળે છે. તમે કાળને વશ થઇને તમારી સ્થિતિને ઘ્યાનમાં રાખીને અહંકારી થઇ જાવ તો ઓમકાર મંત્રનો જાપ કરો.

શ્રાવણ માસ એ ભગવાન મહાદેવજીની ઉપાસના અને આરાધનાનો માસ ગણાય છે. ભકતો વિવિધ પ્રકારથી ભગવાન ભોળાનાથની આરાધના કરે છે. શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે વર્ષ દરમિયાન ચાતુમાસને ભકિત માટે ઉત્તમ માનવામાં આવે છે.

અને તેમાંય વળી આ ચાતુર્માસમાં પણ શ્રાવણ મહિનાને સર્વોત્તમ ગણવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો અતિ પ્રિય મહિનો છે. આ માસ દરમિયાન ભોળિયાનાથ પોતાના ભકતોની મનોકમાન પૂર્ણ કરતા હોવાથી શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં ભાવિકોની વિશેષ ભીડ જોવા મળે છે.

શિવ મંદિરોમાં શિવભકતો દ્વારા મહાદેવનું વિશેષ પૂજન અર્ચન અને દર્શન માટે ભાવિકો ઊમટી પડે છે. ભકતો પોતાના ભગવાનને ઘી, દૂધ,દહીં, તલ, જળ તેમજ બીલીપત્રો સહિતની પૂજા સામગ્રીઓથી મહાદેવને અભિષેક કરે છે. ઘણા લોકો આખો મહિનો ઉપવાસ-એકટાણાં કરી શિવ ભકિત કરે છે. તો કેટલાક શ્રદ્ધાળુઓ સોમવારના દિવસે વિશેષ ઉપવાસ કરે છે. •

You might also like