ચેરિટી વાયા સ્ટ્રીટ ફૂડ

સ્ત્રીસશક્તીકરણની વાત આવે ત્યાં યુવાવસ્થાથી જ યુવતીઓ પોતાની જાતે કાંઇક કરવા સક્ષમ થવાનો પ્રયાસ કરે છે. પછી ભલેને તે સુખીસંપન્ન ઘરની કેમ ન હોય! યુવાપેઢી સમય સાથે બદલાઇ છે તે વાત ચોક્કસ છે. તેમના વિચારોમાં પરિવર્તન આવ્યાં છે. ખાસ કરીને આર્થિક રીતે સબળ હોય તેવા વર્ગના યુવાઓ નબળા વર્ગને મદદરૂપ થવા તત્પર રહે છે. ત્યારે શહેરમાં કેટલીક એવી યુવતીઓ છે કે જેમણે ચેરિટી માટે સ્ટ્રીટ ફૂડનો વ્યવસાય હાથ ધર્યો હોય.

ખાણીપીણી માટે જાણીતા શહેરના તમામ વિસ્તારોમાં એક બે એવાં નાનકડા બિઝનેસ સ્ટાર્ટઅપ જોવા મળે છે જે પોતાના ગ્રૂપની સાથે મળીને યુવતીઓ ચલાવી રહી છે. તેઓ ઇન્ટરનેટ કે બીજા કૂકિંગ શોમાંથી રેસિપી મેળવીને અવનવી વાનગીઓ બનાવતા શીખે છે.

જે ફૂડ આઇટમ શહેરમાં ઓછી જાણીતી હોય તે બનાવીને લોકોને ઓછી કિંમતમાં વેચે છે અને તેમાંથી જે પણ નફો મળે છે તેનો ઉપયોગ સમાજસેવામાં કરે છે. માત્ર એક યુવતીથી આ કામ થતું ન હોવાથી તે પોતાના મિત્રોની મદદ મેળવતી હોય છે. મોટાભાગની યુવતીઓ ભણતી હોવાથી તેઓ પોતપોતાની રીતે સમય ફાળવીને આ સદ્કાર્યો કરે છે.

શહેરના એચ.એલ. રોડ, સેપ્ટ યુનિવર્સિટી રોડ, આઇઆઇએમ રોડ અને વસ્ત્રાપુર લેક પાસે ભરાતા ફૂડ માર્કેટમાં ફૂડ બિઝનેસ કરતી યુવતીઓનાં ઘણાં ગ્રૂપ છે. ફૂડ બિઝનેસની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે તેઓ સોશિયલ મીડિયાનો પણ સહારો લે છે. વધુ ને વધુ લોકોને તેમના આ ચેરિટી વર્કની માહિતી મળે તેના માટે મોટાં હોર્ડિંગ અને સાઇનબોર્ડ્સ પણ કૉલેજ કેમ્પસમાં કે અન્ય સ્થળો પર લગાડેલાં હોય છે.

ઘણાં કિસ્સાઓમાં પરિવારજનો યુવતીઓને શરૂઆતમાં બિઝનેસ શરૂ કરવા માટે મદદ કરતા હોય છે. આ સિવાય ઘણાં નાનાંમોટાં કોર્પોરેટ હાઉસ પણ યુવતીઓના કાર્યમાં સહાયરૂપ થવા માટે પૈસા આપે છે. આ યુવતીઓ પોતાની કૉલેજ પતાવીને તેમના ઘરે પહોંચીને આ કામમાં લાગી જાય છે. કેટલીક સામગ્રીઓ પોતાના ઘરેથી જ બનાવીને કારમાં લઇને આવે છે.

એચ.એલ. કૉલેજના થર્ડ યર બીકોમમાં અભ્યાસ કરતી રિદ્ધિ શાહ કહે છે કે, “સાંજના સમયે કૉલેજ પૂરી થયા પછી સામેના રોડ પર જ એક ટેબલ લઇને હું અને મારા બીજા બે મિત્રો સેન્ડવિચનો બિઝનેસ કરીએ છીએ. રાતના ૧૦ વાગ્યા સુધી અમને સારા એવા પૈસા મળે છે. જેમાંથી અમે ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોને ભણવાની સામગ્રી પૂરી પાડીએ છીએ.”

જ્યારે એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી નારાયણી ગામીત કહે છે કે, “મને ફાસ્ટ ફૂડ બનાવવું બહુ ગમે છે એટલે વીકએન્ડના હું મારી કારની ડેકીમાં ફૂડ આઇટમ્સ ઘરેથી બનાવીને લાવું છું. સેપ્ટ રોડ પર ચાલતા ફૂડ માર્કેટમાં મારો ફૂડ બિઝનેસ ચલાવું છું. તે કમાણીનો ઉપયોગ નબળા વર્ગના લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે કરું છું.”

કૃપા મહેતા

You might also like