શેર ફ્રોડમાં વીડિયોકોનના વડા ધુત વિરુદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હી: વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન વેણુગોપાલ ધુત એક વધુ કેસમાં ફસાતા દેખાઇ રહ્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્કના વડા ચંદા કોચરના પતિની સાથેના ડીલને લઇ તપાસનો સામનો કરી રહેલ ધુત વિરુદ્ધ હવે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ (ઇઓડબ્લ્યુ) એક અન્ય કોર્પોરેટ ફ્રોડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જો ધુત આ કેસમાં દોષિત પુરવાર થશે તો તેમને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે.

તિરુપતિ સિરામિક્સ લિ.ના સંજય ભંડારીએ બે વર્ષ પૂર્વે ધુત વિરુદ્ધ ઇઓડબ્લ્યુમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદની ચાર્જશીટમાં એવો દાવો કરાયો છે કે આરોપી વેણુગોપાલ ધુત વિરુદ્ધ આઇપીસીની કલમ-૪૨૦ હેઠળ પૂરતા પુરાવા છે, જોકે ધુતે આ અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ધુતે તિરુપતિ સિરામિક્સના ૩૦ લાખ શેર વેચ્યા હતા કે જે અગાઉથી જ કોઇ અન્ય શખ્સને વેચવામાં આવી ચૂક્યા હતા. શેરના ગેરકાયદે વેચાણ અંગે તેમણે વીડિયોકોન કંપનીના બોર્ડને અંધારામાં રાખ્યું હતું. આ વેચાણ માટે તેઓ અધિકૃત ન હતા અને તેથી તેમના વિરુદ્ધ આઇપીસીની કલમ-૪૨૦ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

You might also like