સ્ત્રીબીજ ડોનરના મોતના મામલે બે ડોક્ટર સહિત છ સામે ચાર્જશીટ

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી અને હોમગાર્ડમાં ફરજ બજાવતી સોનલ પરમારના સ્ત્રીબીજ ડોનેટ કર્યા બાદ બન્ને કિડનીઓ ફેલ થઇ જવાથી થયેલા મોતના બહુ ચકચારી કિસ્સામાં રામોલ પોલીસે ડો.પીયૂષ પટેલ, ડો.નિસર્ગ પટેલ સહિત ૬ લોકો સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. ડો.પીયૂષ પટેલ પાસે ડિગ્રી નહીં હોવા છતાંય તેનાં સ્ત્રીબીજ લેવા માટેની પ્રોસિજર કરી, જેના કારણે સોનલનું મોત થયું હતું.

બાપુનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી સોનલ સુરેશભાઇ પરમારની મુલાકાત વર્ષ ર૦૧૭માં ખુશબૂબહેન, વનીતાબહેન, નીકીબહેન અને પિન્કીબહેન સાથે થઇ હતી. ચારેય મહિલાઓએ તેને સ્ત્રીબીજ ડોનેટ કરવા માટેની વાત કરી, જેમાં તેને એક સ્ત્રીબીજ માટે ૧પ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી.

રૂપિયાની લાલચમાં આવીને સોનલ સ્ત્રીબીજ ડોનેટ કરવા માટે રાજી થઇ ગઇ હતી. ચારેય મહિલાઓએ તેની ર‌િખયાલ ખાતે આવેલી ઓજસ હોસ્પિટલમાં ડો.પીયૂષ પટેલ અને ડો.નિસર્ગ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. સોનલનાં સ્ત્રીબીજ લેવા માટે તેને ઉદયપુર, કાનપુર અને પુણે એમ અલગ અલગ જગ્યાએ લઇ ગયા હતા.

સોનલને કાનપુર ખાતે સ્ત્રીબીજ ડોનેટ કરવા માટે લઇ ગયા હતા જ્યાં સ્ત્રીબીજ લીધા બાદ તેની ત‌િબયત વધુ લથડી હતી. સોનલની તબિયત વધુ લથડતાં તેને ઉદયપુરની આર.કે. હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જ્યાં તેને ઇન્જેક્શન આપ્યાં હતાં.

સોનલને ઇન્જેક્શન આપ્યા બાદ તેની બન્ને કિડની ફેલ થઇ ગઇ હતી, જેના કારણે તેનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલની ટીમે સોનલના મોત અંગે તપાસ કરીને આપેલા રિપોર્ટમાં ડો.પીયૂષ સહિત તમામ લોકોની બેદરકારી છતી થતાં રામોલ પોલીસે છ લોકો સામે સાપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધી હતી.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એસ. દવેએ જણાવ્યું છે કે ડો.પીયૂષ પટેલ, ડો.નિસર્ગ પટેલ સહિત છ લોકો સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાઇ છે.

You might also like