આમીર અને શાહરૂખ ખાન સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવા માંગ

મેરઠ: બોલિવુડના સુપરસ્ટાર આમીરખાનની અસહિષ્ણુતાના મુદ્દે નિવેદન કર્યા બાદ તકલીફ વધી રહી છે. તેની સામે દેશના લોકોમાં નારાજગી સતત વધી રહી છે. હવે હિન્દુ મહાસભાએ પણ કહ્યુ છે કે આમીરખાને પાકિસ્તાન જતા રહેવુ જોઇએ. હિન્દુ મહાસભાએ તો અહીં સુધી કહ્યુ છે કે આમીરખાન અને શાહરૂખખાન જેવા અભિનેતા જે આ પ્રકારના નિવેદન કરી ચુક્યા છે તેમની સામે દેશદ્રોહનો કેસ ચલાવવો જોઇએ. હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સેક્રેટરી મુન્ના કુમાર શર્માએ કહ્યુ છે કે આમીરખાને ભારતના હિત માટે પાકિસ્તાન જતા રહેવુ જોઇએ. આ પ્રકારના નિવેદન કરનાર સામે દેશદ્રોહનો કેસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. હિન્દુ મહાસભાના નેતાઓની બેઠક મેરઠમાં યોજાઇ છે.

જેમાં આમીરના નિવેદનના પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. આમાં એવુ સુચન કરવામાં આવ્યુ હતુ કે આમીરને ઘરવાપસીમાં સામેલ થવુ જોઇએ. કારણ કે તેની વર્તમાન પત્નિ અને પૂર્વ પત્નિ રીના દત્તા બન્ને હિન્દુ છે. જો આમીરખાન પાકિસ્તાન ન જાય તો આમીરખાને કરેલા લવ જેહાદના ગુનામાંથી તેને મુક્ત કરાવવા માટે ઘરવાપસી કરવી જોઇએ બોલીવુડ સ્ટાર આમિર ખાનના અસહિષ્ણુતાના મુદ્દે નિવેદન બાદ બોલીવુડના ઘણા કલાકારો પણ આમિર ખાનની વિરુદ્ધમાં આવી ગયા છે અને તેની ઝાટકણી કાઢી છે. આમિર ખાન સામે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે.નિર્દેશક રામગોપાલ વર્મા , અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલ, અભિનેતા અને ભાજપ સાંસદ મનોજ તિવારીએ પણ આકરી પ્રતિક્રિયા આપીને આમિર ખાનની ઝાટકણી કાઢી છે.

રામગોપાલ વર્માએ ટ્વીટર ઉપર આમિરના નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે જો આમિર, શાહરૂખ અને સલમાન જે મુસ્લિમ છે તેઓ હિન્દુ દેશમાં સૌથી મોટા સ્ટાર બની શકે છે તો અસહિષ્ણુતાનો માહોલ ક્યાં છે તે વાત સમજાતી નથી. હિન્દુની બહુમતિ ધરાવતા દેશમાં જો ત્રણ મુસ્લિમ સૌથી મોટા સુપરસ્ટાર બની શકે છે તો આનાથી મોટા દાખલા કોઈ હોઈ શકે નહી. હાલમાં જ એક એવોર્ડ કાર્યક્રમમાં આમીરખાને દેશમાં અસહિષ્ણુતાને લઇને ચાલી રહેલી ચર્ચામાં કુદી પડતા કહ્યુ હતુ કે દેશમાં હાલમાં જે સ્થિતી છે તેનાથી તે ભયભીત અને ચિંતિત છે. તેની પત્નિ કિરણ રાવ તો તેને બાળકોની સુરક્ષાને લઇને દહેશતમાં છે. તે ભારત છોડી દેવા માટે સલાહ આપી ચુકી છે તેમ આમીરખાને કહીને હોબાળો મચાવ્યો હતો.

આમીરખાનના મામલે હજુ હોબાળો જારી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે આ મામલે પણ હવે રાજનિતી શરૃ થઇ ગઇ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આમીરખાનની તરફેણ કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ પણ આમીરખાનની સાથે દેખાઇ રહ્યા છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો આમીરની વિરુદ્ધમાં આવી ગયા છે. અસહિષ્ણુતાના મુદ્દે ચર્ચા દિન પ્રતિદિન વધુ ગરમ બની રહી છે. જે ચિંતાજનક બાબત દેખાઇ રહી છે. દરમિયાન દિલ્હી પોલીસને આમિર ખાન સામે એક ફરિયાદ પણ મળી ગઈ છે. બિનસુરક્ષા અને દહેશતના મુદ્દે આમિર ખાને ટિપ્પણી કર્યા બાદ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફિલ્મ સ્ટાર આમીર ખાને ભારતમાં વધતી અસહિષ્ણુતાની ફરીયાદ કર્યા બાદ સરકારે તેના પર પલટવાર કર્યો છે તથા સોશ્યલ મીડિયા પર તેના વિશે જંગ શરૃ થયો છે. મોટા ભાગના યુઝર્સે આમીરની ટિપ્પણીની ટીકા કરી છે અને તેને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો છે. ટ્વિટર પરથી મળેલા ડેટા પ્રમાણે આમીરની ટિપ્પણીના કારણે મંગળવારે સાંજ સુધીમાં ૧.૧૦ લાખ ટ્વિટ થઈ હતી. આ ડિબેટમાં વધુને વધુ લોકો જોડાતા ગયા હતા અને દર મિનિટે ૩૨૦ ટિવટ થઈ હતી.

You might also like