ચરસ-ગાંજો વેચે છે? કહી થેલામાંથી રૂ.પ.પ૦ લાખના દાગીનાની ચોરી

અમદાવાદ: શહેરમાં પોલીસની ઓળખ આપી તેમજ અન્ય રીતે લોકોને ધમકી આપી તેઓ પાસેથી પૈસા પડાવવાના અને ચોરીના બનાવો વધી રહ્યા છે. નવરંગપુરા ગિરીશ કોલ્ડ્રિંકસ નજીક સોનાના દાગીના ભરેલી બેગ લઇને જતા એક યુવકને બે શખસો રોકી ચરસ-ગાંજો વેચો છો? તેમ કહી થેલામાંથી રૂ.પ.પ૦ લાખના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફ‌િરયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નારણપુરા એડીસી બેન્ક સ્ટાફ સોસાયટીમાં રહેતા અશ્વિનકુમાર પટેલ નિર્ણયનગર વિસ્તારમાં સુરેશભાઇ સોનીને ત્યાં સોનાના વેપારીને દાગીના લઇ-આપવાનું કામ કરે છે. ગઇ કાલે તેઓ સ્ટોન લાગેલા દાગીના લઇને નવરંગપુરા સી.જી.રોડ પર અલગ અલગ જ્વેલર્સને ત્યાં સોનાના દાગીના આપવા અને લેવા ગયા હતા. સાંજે સવા સાતની આસપાસ તેઓ ગિરીશ કોલ્ડ્રિંકસ નજીક સમુદ્ર કોમ્પ્લેકસમાં વિનાયક સોલ્ડરમાં દાગીના આપવા જતા હતા.

દરમ્યાનમાં દેરાસરની ગલી પાસે તેઓ એક્ટિવા લઇ પહોંચ્યા ત્યારે બાઇક પર બે શખસો આવ્યા હતા અને આ થેલામાં ચરસ-ગાંજો વેચો છો? તેમ કહી બળજબરીથી થેલો તપાસ્યો હતો. દરમ્યાનમાં અન્ય બે શખસો પણ તેઓની નજીક આવી ગયા હતા અને થેલામાંથી રૂ.પ.પ૦ લાખના દાગીના કાઢી લીધા હતા. બાદમાં તેઓને થેલાની ચેઇન બંધ કરતાં થેલામાંથી દાગીના ઓછા લાગતાં તપાસ કરતાં દાગીના ચોરાયાની જાણ થઇ હતી. આ અંગે તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

You might also like