આજથી ચારધામ યાત્રાનાં શ્રી ગણેશ, ગંગોત્રી-યમનોત્રીનાં ખુલ્યાં કપાટ

દહેરાદૂનઃ આજે અક્ષય તૃતીયાનાં શુભ દિવસે ચાર ધામ યાત્રાનો મંગળ આરંભ થઈ ગયો છે. આજે ગંગોત્રી અને યમનોત્રીનાં કપાટ ખૂલવાની સાથે ચાર ધામ યાત્રાનો વિધિવત્ આરંભ થઈ ગયો છે. યાત્રીઓનું સ્વાગત કરતા ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહે રાવતે ચારધામ કેદારનાથ, બદરિનાથ, ગંગોત્રી અને યમનોત્રીની સફળ યાત્રા માટે શુભકામના વ્યક્ત કરી હતી.

ત્રિવેન્દ્રસિંહ રાવતે જણાવ્યું હતું કે ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા માટે યાત્રીઓનું સ્વાગત કરે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે યાત્રીઓની સુરક્ષા અને અન્ય વિવિધ સુવિધાઓનો પણ ખ્યાલ રાખવામાં આવશે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહનલાલ થપલિયાલે જણાવ્યું હતું કે કેદારનાથ મંદિર સંકુલની આસપાસ હજુ ચોમેર ભારે બરફ છવાયેલો છે, પરંતુ મંદિર તરફ જતા માર્ગને ક્લિયર કરી દેવામાં આવ્યો છે.

અક્ષય તૃતીયાનાં પાવન પર્વ પર ગંગોત્રી અને યમુનોત્રી મંદિરનાં કપાટ ખૂલતાંની સાથે ઉત્તરાખંડનાં હિમાલય ક્ષેત્રમાં આવેલ ચારધામની યાત્રા શરૂ થઈ જાય છે. ગંગોત્રી મંદિર સમિતિનાં અધ્યક્ષ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે આજે બપોરે મહાગંગાની ઉત્સવ ડોલી પોતાના શીતકાલિન પ્રવાસ મુખવા ગામથી ગંગોત્રી ધામ જવા રવાના થઈ ગઈ છે, જ્યારે યમનોત્રી મંદિર સમિતિના સચિવ કૃતેશ્વર ઉનિયાલનાં જણાવ્યાં અનુસાર મહાયમુનાની ડોલી મંગળવારે સવારે ૯.૦૦ વાગ્યે પોતાના ખરસાલી ગામથી યમુનોત્રી ધામમાં જવા રવાના થશે.

રાજ્યના પ્રવાસન સચિવ દિલીપ જાવલકરે જણાવ્યું હતું કે ભારે હિમવર્ષા છતાં કેદારનાથમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવે છે. કપાટ ખોલતાં પહેલાં બધી તૈયારીઓ કરવામાં આવી હતી. કેદારનાથ ધામમાં ત્રણ હજાર પ્રવાસીઓનાં ઉતારાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. શિયાળામાં ભારે હિમ પ્રપાત અને કાતિલ ઠંડીને કારણે દર વર્ષે ચાર ધામના કપાટ ઓક્ટોબર-નવેમ્બર શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવે છે અને આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં ખોલવામાં આવે છે.

You might also like