કેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ

દહેરાદૂનઃ હિમાલયનાં ચારધામ પૈકી એક ધામ બદરીનાથનાં કપાટ આજે સવારે બ્રાહ્મમુહૂર્ત અને મેષ લગ્નમાં ૪.૧૫ કલાકે ખૂલ્યાં હતાં. બદરીનાથધામનાં કપાટ સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે આજે શ્રદ્ધાળુઓનાં દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યાં હતાં. મંદિરનાં કપાટ ખૂલતાંની સાથે જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી.

કપાટ ખૂલતાં જ અહીં છ મહિનાથી પ્રજ્વલિત અખંડ જ્યોતિનાં દર્શન માટે દેશ-વિદેશથી તીર્થયાત્રીઓ બદરીનાથધામ પહોંચ્યાં હતાં. બદરીનાથ મંદિરનાં કપાટ ખૂલતાં પહેલાં જ ગર્ભગૃહમાંથી માતા લક્ષ્મીને લક્ષ્મીમંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ઉત્તરાખંડનાં રાજ્યપાલ બેબી રાની મૌર્ય અને પૂર્વ મુખ્યપ્રધાન રમેશ પોખરિયાલ નિશંક ઉપસ્થિત રહ્યાં હતાં.

બદરીનાથધામનાં કપાટ ખૂલતી વખતે ગઢવાલ સ્કાઉટમાં બેન્ડવાજાંની મધૂર ટ્યૂન સાથે ભક્તોના જય બદરીનાથ વિશાલના જય ઉદ્ઘોષ સાથે સમગ્ર બદરીનાથધામ ભક્તિમય બની ગયું હતું. નરનારાયણ પર્વતની ગોદમાં વસેલ બદરીનાથધામ નીલકંઠ પર્વતનો પાછળનો ભાગ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર આદિગુરુ શંકરાચાર્યએ ચારધામમાંથી એક તરીકે સ્થાપિત કર્યું હતું.

You might also like