જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફ વર્ષાથી જનજીવન ખોરવાયું

જમ્મુ : ગઈકાલથી પડી રહેલા બરફને કારણે જમ્મુ-કાશ્મીરના લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાજૌરી જિલ્લામાં પરિસ્થિતિ વિકટ છે. બરફ વર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને અનેક વાહનો ફસાયા છે. વૈષ્ણોદેવી પાસે બરફવર્ષા થતાં દર્શનાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. આગામી બે દિવસ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ભયાનક હિમપ્રપાતની ચેતવણી મોસમ વિભાગે આપી છે.

સવારથી પહાડો પર ભારે બરફવર્ષાને કારણે હાઇવે બંધ થઇ ગયા છે.સ્નો ફોલને કારણે વૈષ્ણોદેવીના પહાડો પણ સફેદ બન્યા છે. અહીં ત્રણથી ચાર ઈંચ બરફ પડયો છે. ભારે વરસાદ અને બરફને કારણે આ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.માતા વૈષ્ણોદેવીના ત્રિકુટા પર્વત અને જમ્મુ-કાશ્મીરના પહાડો પર રાતે પડેલા ભારે બરફને કારણે હાઇવે બંધ થઇ ગયો હતો.

જવાહર ટનલ પાસે થયેલી બરફ વર્ષાને કારણે અકસ્માત ન થાય તે માટે વાહનોને રામબન સહિત અનેક જગ્યાએ થોભાવી દેવાયાં હતાં.આવતા ૨૪ કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદ અને બરફ પડવાની શકયતા અગાઉ જ દર્શાવાઇ હતી.

રાજ્ય પ્રશાસન દ્વારા કાશ્મીરના ત્રણ જિલ્લા, એલઓસી નજીકના વિસ્તારો અને લદાખમાં બરફના ભારે તોફાનની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં બરફના ભારે તોફાનની સંભાવના છે, ત્યાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

You might also like