ચાંગોદર બ્રિજ પાસે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી

અમદાવાદ: ચાંગોદર બ્રિજ પાસે આવેલી એક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ગઇ મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થવા પામી નથી. ફાયરબ્રિગેડના જણાવ્યાનુસાર આ અંગેની વિગત એવી છે કે, સરખેજ-બાવળા હાઇવે પર ચાંગોદર બ્રિજ નજીક આવેલી નીરવ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ગઇ મોડી રાત્રે ૧ર વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરે આખી ઇન્ડસ્ટ્રીઝને લપેટમાં લઇ લીધી હતી. આગમાં કેમિકલ, સોલવન્ટ, રેક્ઝિન અને મશીનરી બળીને ખાખ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના સત્તાવાળાઓએ ૧ર જેટલા ફાયરફાઇટર અને વોટર ટેન્કર સાથે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ બચાવ કામગીરી શરૂ કરી હતી. સતત પાણીનો મારો ચલાવ્યા બાદ રાતભરની મહેનત બાદ આજે વહેલી સવારે આગ અંકુશમાં આવી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આગમાં લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
http://sambhaavnews.com/

You might also like