‘ધોની હૈ તો મુમકિન હૈ’: નિવૃત્તિની સલાહ આપનારાઓના સૂર બદલાયા

(એજન્સી) નવી દિલ્હી: થોડા મહિના પહેલાં જે લોકો કરિયરના અંતિમ પડાવમાં ભારતીય ટીમની સેવા કરી રહેલા મહેન્દ્રસિંહ ધોનીને નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યા હતા તેઓ હવે ધોનીના ઉત્તરાધિકારી કહેવાતા ઋષભ પંતની ટીકા કરતાં થાકતાં નથી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પૂરી થયેલી પાંચ વન ડે મેચની શ્રેણીના અંતિમ બે મુકાબલાએ ટીમ ઇન્ડિયાની નબળાઈઓને ઉજાગર કરી નાખી છે.

આ સાથે જ ફરી એક વાર ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ઉપયોગિતા સાબિત થઈ ગઈ. થોડા સમય પહેલાં ધોનીને નિવૃત્તિની સલાહ આપનારાઓના સૂર હવે બદલાઈ ગયા છે. હવે આ ટીકાકારો જ કહી રહ્યા છે કે, ‘ધોની હૈ તો મુમકિન હૈ…”

મહેન્દ્રસિંહ ધોની સ્ટમ્પની પાછળ હંમેશાં મજબૂત રહે છે એટલું જ નહીં તે કેપ્ટનશિપમાં વિરાટ કોહલીને બહુ જ મદદ કરતો રહે છે, જ્યારે અંતિમ બે મેચમાં ધોનીને આરામ અપાયો હોવાને કારણે પંતને તક મળી અને તેણે બહુ જ ખરાબ કીપિંગ કર્યું. પંતની બેટિંગ પણ કંગાળ રહી.

બાકી કેપ્ટનશિપમાં વિરાટની મદદ કરવાનો તો સવાલ જ ઊભો થતો નથી. અંતિમ બે મેચમાં કોહલી પાસે નાજુક પરિસ્થિતિઓમાં સહયોગ માટે ધોનીનું ક્રિકેટીય દિમાગ નહોતું. તાજેતરમાં જ ભૂતપૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદીએ કહ્યું હતું કે ધોની વિના વિરાટ ‘અડધો કેપ્ટન’ બની જાય છે.

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું, ”વિરાટ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાને કેપ્ટન છે, જ્યારે ધોની ફક્ત નિર્ધારિત ઓવરમાં ક્રિકેટ રમી રહ્યો છે. તમને અંતર સ્પષ્ટપણે જોવા મળશે. ટેસ્ટની સરખામણીએ નિર્ધારિત ઓવરોમાં ટીમ ઇન્ડિયા બહુ ઓછા ખોટા નિર્ણય લે છે. આની પાછળ ધોનીનો સહયોગ સામેલ છે.

આથી જ ધોનીનું વિશ્વકપમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહેવાનું છે. તમે જોયું હશે કે વન ડે અને ટી-૨૦માં જ્યારે અંતિમ ઓવરોમાં વિરાટ બાઉન્ડ્રી લાઇન નજીક ફિલ્ડિંગ કરે છે ત્યારે તેને બોલરની ચિંતા નથી હોતી, કારણ કે તે જાણે છે કે ધોની સ્થિતિ સંભાળી લેશે. ધોની ફિલ્ડિંગ પણ સેટ કરી લે છે અને બોલર્સને જરૂરી સૂચના પણ આપ્યે રાખે છે કે કેવી બોલિંગ કરવી.

ધોની ભલે મેચ ફિનિશરના બદલે ઇનિંગ્સને સ્થિરતા આપનારો બેટ્સમેન બની ગયો હોય, પરંતુ તેની કેપ્ટનશિપની કળા ભારત માટે સૌથી મદદરૂપ છે. નિશ્ચિત રીતે વિશ્વકપ જેવી મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં કોહલી અને ટીમ ઇન્ડિયાને આનો ફાયદો મળશે જ.

ધોનીને ક્યારેય હળવાશથી ના લેશોઃ માઇકલ ક્લાર્ક
ભારતીય ટીમને તેના જ ઘરમાં માત આપીને શ્રેણી પર કબજો જમાવી ચૂકેલી કાંગારુ ટીમને ફેન્સ અભિનંદન આપી રહ્યા છે, જ્યારે ભારતની મજાક ઉડાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા ટી-૨૦માં અને બાદમાં વન ડે સિરીઝમાં ભારતને ઘરઆંગણે હરાવ્યું. આ જીતની વચ્ચે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે કાંગારુ ટીમને ચેતવણી આપી છે.

ક્લાર્કે ધોનીના ટીમમા ના હોવાની વાત તરફ ઇશારો કર્યો હતો. ક્લાર્કે કહ્યું કે, ”વર્લ્ડકપ દરમિયાન ધોનીને ક્યારેય હળવાશથી ના લેવો જોઈએ, કેમ કે તે હુકમનો એક્કો છે. હાલ ભારતીય ટીમમાં મિડલ ઓર્ડરમાં યુવરાજસિંહ જેવા ખેલાડીની કમી છે, જે ૨૦૧૧ના વર્લ્ડકપમાં ધોનીની સાથે હતો. ધોનીનું ટીમમાં હોવું મહત્વનું છે, ખાસ કરીને આગામી વર્લ્ડકપને જોતાં… આ ૩૭ વર્ષીય ખેલાડીને ક્યારેય હળવાશથી ના લેવો જોઇએ.”

You might also like