પંચાયત કાયદાનો સુધારો ભેદભાવ વધારનારો!

હરિયાણા સરકારે હરિયાણા પંચાયત રાજ એક્ટ-૧૯૯૪માં સુધારો કર્યો કે પંચાયતની ચૂંટણી લડનાર ઉમેદવાર શિક્ષિત હોય તો જ ફોર્મ ભરી શકે. સુધારાનો વિરોધ થયો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સરકારની દલીલ હતી કે શિક્ષિત સરપંચ અને પ્રતિનિધિ વધુ સારું કામ કરી શકશે. સુપ્રીમે સુધારાને મંજૂરી આપી દીધી છે, પરંતુ લોકોમાં રોષ હજુ શમ્યો નથી.

હરિયાણાની દક્ષિણે આવેલા નીમખેડા ગામમાં નવ સભ્યોની પંચાયતમાં ૨૦૦૫માં તમામ મહિલાઓ ચૂંટાઈ હતી. તેમણે પાણી, રહેઠાણ અને સ્કૂલની સમસ્યા ઉકેલી તેથી ૨૦૦૮માં રાજ્ય સરકારે તેને ‘મોડેલ ગામ’ જાહેર કર્યું હતું. હવે સુધારેલા કાયદા અનુસાર આમાંથી એક પણ મહિલા ચૂંટણી જ લડી નથી શકતી, કારણ કે તે અશિક્ષિત છે. સુધારા મુજબ સામાન્ય મહિલા ઓછામાં ઓછું આઠમું પાસ અને પછાત મહિલા પાંચમું પાસ હોવી જરૂરી છે.

મહિલાઓની ફરિયાદ છે કે અમારા જમાનામાં ગામમાં સ્કૂલ જ નહોતી તો અમે શું કરીએ? કાયદાના સુધારાના કારણે સંખ્યાબંધ ગામોમાં સેંકડો વોર્ડમાં શિક્ષિત ઉમેદવાર એક જ હોવાથી ફોર્મ ભરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા. અનેક વોર્ડમાં તો કોઈ ઉમેદવાર જ ન મળ્યા. આ લોકો કહે છે, “અમારા કરતાં મોટા અને રાજ્ય કે રાષ્ટ્રવ્યાપી અસર કરનાર સાંસદ અને ધારાસભ્યોને ઉમેદવારી માટે લઘુતમ શિક્ષણનું ધોરણ નથી તો અમારે કેમ?

એમને લોન બાકી હોય, કરોડોના હપ્તા ચઢી ગયા હોય તો પણ ચૂંટણી લડી શકે તો અમે લોન ભરપાઈ કર્યા વિના ન લડી શકીએ, એવું કેમ? એમનાં વીજળી, ટેલિફોનનાં મોટાં બિલ બાકી હોય તો પણ ચૂંટણી લડી શકે અને અમારે લાઈટ બિલ બાકી હોય તો ફોર્મ ન ભરી શકીએ, એમ કેમ?- એ લોકો સામે ફોજદારી કેસ ચાલતા હોય તો પણ ચૂંટણી લડી શકે અને અમે પોલીસ ક્લિયરન્સ વિના ફોર્મ ન ભરી શકીએ એવું શા માટે?”

You might also like