મોદી કેબિનેટ-ભાજપ સંગઠનમાં નવા વર્ષે ધરખમ ફેરફારો નિશ્ચિત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષમાં પોતાની કેન્દ્રીય કેબિનેટમાં ધરખમ ફેરફારો કરશે તેવાં એંધાણો વર્તાઈ રહ્યાં છે એ જ રીતે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પક્ષ સંગઠનમાં કેટલાક નેતાઓને હટાવીને નવા નેતાઓને મહત્ત્વની જવાબદારી સોંપવાની તૈયારી કરી ચૂક્યા છે. આ ફેરફારો નવા વર્ષના પ્રથમ મહિનામાં જ થઈ શકે છે એવા નિર્દેશો મળી રહ્યા છે.

મોદી કેબિનેટમાંથી બિહારના રામકૃપાલ યાદવ, ગિરિરાજસિંહ, ઉ.પ્ર.માંથી સાધ્વી નિરંજના જોશી, રામશંકર કઠેરિયાની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. એ જ રીતે બિહારના કેન્દ્રીય કૃષિપ્રધાન રાધામોહનસિંહના ખાતામાં પણ ફેરફાર થઈ શકે છે. એનડીએમાં સામેલ શિવસેનાના ક્વોટામાંથી એક વધુ પ્રધાન બનાવવામાં આવશે એ નિશ્ચિત છે. લઘુમતી બાબતોના પ્રધાન નજમા હેપ્તુલ્લા, મહિલા અને બાળવિકાસ પ્રધાન મેનકા ગાંધી, એચઆરડી પ્રધાન સ્મૃતિ ઈરાનીના ખાતામાં ફેરફાર થઈ શકે છે.

મેનકા ગાંધી પોતાના સ્થાને પોતાના પુત્ર વરુણ ગાંધીને પ્રધાન બનાવવા ઈચ્છે છે, જ્યારે સ્મૃતિ ઈરાનીને સંગઠનમાં મોટી જવાબદારી સોંપવાની ચર્ચા ચાલી રહી છે. જોકે અમિત શાહ તેમને પોતાની ટીમમાં લેવા તૈયાર નથી.

સરકાર અને ભાજપનાં વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે યોજાયેલી મેરેથોન બેઠકમાં આ ફેરફાર અંગેની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. આ બેઠક એકલા મોદી અને શાહ વચ્ચે જ યોજાઈ હતી. આ બેઠકમાં બિહારમાં પક્ષના પરાજય અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવા બાબતે ગહન ચર્ચા-વિચારણા થઈ હતી.

કેટલાક પ્રધાનોને હટાવીને તેમને સંગઠનમાં મોકલવામાં આવશે તો કેટલાક નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. બિહારમાંથી જેમને પ્રધાન બનાવવામાં આવ્યા છે તેમની કેબિનેટમાંથી વિદાય નિશ્ચિત જણાય છે. આ ઉપરાંત કેટલાક પ્રધાનોનાં ખાતાંઓ બદલવામાં આવશે તો કેટલાક પ્રધાનોને પ્રમોશન આપવામાં આવશે.

કેબિનેટમાં આ ફેરફાર બાદ લોકસભા ચૂંટણી સુધી કોઈ ફેરફાર થશે નહીં. સંઘે મોદીને કેબિનેટમાં ફેરફાર કે વિસ્તરણ કરવાની પોતાની મંજૂરી આપી દીધી છે. બજેટસત્ર પહેલાં તેમાં ફેરફાર થવાની શક્યતા છે. આગામી વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કેબિનેટ અને સંગઠનમાં ફેરફારો કરવામાં આવશે.

You might also like